મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વીર કવિ નર્મદની 191મી જન્મજયંતિએ યુનિવર્સિટીનો 55મો પદવીદાન સમારોહ, 39,666 વિદ્યાર્થીઓને અપાઈ પદવી

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિએ વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો

સુરતમાં વીર કવિ નર્મદની 191મી જન્મજયંતિએ યુનિવર્સિટીનો 55મો પદવીદાન સમારોહ, 39,666 વિદ્યાર્થીઓને અપાઈ પદવી

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિએ વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં શિક્ષણમંત્રી, મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૪૨ પી.એચ.ડી. તથા ૪ ને એમ.ફિલ.ની પદવીઓ એનાયત થઈ હતી. પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ખાસ કરીને, પદવીદાન સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ એક વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ નર્મદ યુનિ.માં એમ.એ. (પોલિટિકલ સાયન્સ)નો બે વર્ષ એક્ષ્ટર્નલ અભ્યાસ કરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.

વિદ્યાર્થીઓને અપાઈ શીખ
        
દીક્ષાંત પ્રવચન કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ‘વિનમ્ર બનાવે તે જ્ઞાન’ વિધાન થકી નવયુવાનોને ભારતીય પરંપરાથી અવગત થવા સાથે ઉચ્ચ શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી સમાજ અને દેશના હિતમાં સેવાકાર્ય કરવા પ્રેરિત કર્યા હતા. મંત્રીએ ‘વિદ્યા વિનયથી શોભે’ કહેવતનું દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને વિનમ્ર અને વિવેકી બનવાની શીખ આપી હતી. ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં 'सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः' સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા એનો ઉલ્લેખ કરી તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

શ્રેષ્ઠ ભારત નિર્માણ માટે આહ્વાન
            
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 'શ્રીમદ્દ ભગવદ્ ગીતા'ને સામેલ કરીને જીવનમૂલ્યોના પાઠ ભણાવી બાળકોને દ્રઢ નિશ્ચયી, સંસ્કારી અને કર્મશીલ બનાવવાના ધ્યેયની મંત્રીશ્રીએ છણાવટ કરી હતી. તેમણે માનવીયતાના અભિગમ સાથે મેળવેલું શિક્ષણ જ દેશની ઉન્નતિ-પ્રગતિનો પાયો છે  એમ જણાવી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે અને તે સૌનું ભલું કરવાની ભાવના ધરાવે છે. પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ જ્ઞાન છે, ત્યારે એકજૂથ થઈ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણની દિશામાં આગળ વધવા આહ્વાન કર્યું હતું.  

આ સમાચાર શેર કરો