Video/ વિસનગરમાં અનોખું 'ખાસડા યુદ્ધ': જ્યાં રંગોને બદલે પગરખાં અને શાકભાજીના મારે થાય છે ધુળેટીની ઉજવણી
મહેસાણા: સમગ્ર દેશમાં જ્યારે લોકો રંગો અને ગુલાલથી ધુળેટી મનાવે છે, ત્યારે મહેસાણાન
મહેસાણા: સમગ્ર દેશમાં જ્યારે લોકો રંગો અને ગુલાલથી ધુળેટી મનાવે છે, ત્યારે મહેસાણાના વિસનગરમાં એક અત્યંત અનોખી અને ૧૦૦ વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. અહીં લોકો એકબીજાને રંગ નથી લગાવતા, પરંતુ ખાસડા (જૂના પગરખાં) અને શાકભાજી મારીને પર્વની ઉજવણી કરે છે.
શું છે 'ખાસડા યુદ્ધ'ની પરંપરા?
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. ધુળેટીની સવારે બે જૂથો સામસામે આવી જાય છે.
ઉત્તર વિભાગ: જેમાં મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકો હોય છે.
દક્ષિણ વિભાગ: જેમાં બ્રાહ્મણ, કંસારા, વાણિયા અને પટેલ સમાજના લોકો હોય છે.
આ બંને જૂથો સામસામે ઉભા રહીને એકબીજા પર જૂના પગરખાં અને શાકભાજી (બટાકા, ડુંગળી, ટામેટા અને રીંગણ) ફેંકે છે. આ દ્રશ્યો જોઈને કોઈને યુદ્ધ જેવો અનુભવ થઈ શકે છે, પરંતુ અહીં આ બધું હર્ષોલ્લાસ અને ભાઈચારા સાથે થાય છે.
ખજૂરનો ઘડો મેળવવાની હોડ
શાકભાજી અને ખાસડાના મારા બાદ બંને જૂથો વચ્ચે ચોકમાં રાખેલો 'ખજૂર ભરેલો ઘડો' મેળવવા માટે ઘર્ષણ થાય છે. જે જૂથ વિજેતા બને છે તે સમગ્ર વિસ્તારમાં ઘરે-ઘરે ફરીને ખજૂર ઉઘરાવે છે અને બાદમાં શહેરીજનોને વહેંચે છે.
માન્યતા: પગરખાં ખાવાથી વર્ષ સુધરે!
વિસનગરવાસીઓમાં એવી અતૂટ માન્યતા છે કે આ યુદ્ધ દરમિયાન જેને પગરખું કે શાકભાજી વાગે છે, તેનું આખું વર્ષ ઘણું સારું જાય છે. સામાન્ય રીતે કોઈ પગરખું મારે તો ઝઘડો થાય, પણ અહીં લોકો હોંશે-હોંશે આ માર ખમે છે. આ વર્ષે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ અનોખી પરંપરાના સાક્ષી બનવા પહોંચ્યા હતા.
ઇતિહાસ: વર્ષો પહેલા જ્યારે ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું, ત્યારે મહારાષ્ટ્રમાં ચાલતી આ પરંપરા વિસનગરમાં શરૂ થઈ હતી, જે આજે પણ ડિજિટલ યુગમાં અકબંધ છે.







