મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સગીરાએ તેના પ્રેમી સાથે મળીને ઘરમાંથી કરી 1.56 લાખના મુદ્દામાલની ચોરી, જાણો સમગ્ર ઘટના

Under age girl and her lover committed theft in house | Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વયની પ્રેમિકાએ પોતાના મિત્ર સાથે પોતાના ઘરે ચોરી કર

અમદાવાદ: સગીરાએ તેના પ્રેમી સાથે મળીને ઘરમાંથી કરી 1.56 લાખના મુદ્દામાલની ચોરી, જાણો સમગ્ર ઘટના

Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વયની પ્રેમિકાએ પોતાના મિત્ર સાથે પોતાના ઘરે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે આરોપી સગીરા અને તેના મિત્રની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંનેએ સાથે મળીને હરવા ફરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી ચોરી કરી હતી.

ફરવા માટે પૈસાની જરૂર હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો 

સગીરા અને તેનો મિત્ર ઋતુરાજ ચાવડાને બે વર્ષ પહેલાં રિવરફ્રન્ટ પર નવરાત્રી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. સગીરા ધોરણ-12માં અભ્યાસ કરે છે, જ્યારે યુવક સેલ્સમેન તરીકે કામ કરે છે. બંને વચ્ચે નીકટતા વધતી ગઈ અને ગાઢ મિત્રતા બંધાઈ. સમય જતા બંને એકસાથે અવારનવાર ફરવા પણ જતા પરંતુ બંનેને હરવા ફરવા માટે પૈસાની વધારે જરૂરિયાત હોવાના કારણે બંને મળીને સગીરાના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. 

બંનેએ મળીને સગીરાના ઘરેથી 1.56 લાખના મુદ્દામાલની ચોરી કરી

બંનેએ સપ્ટેમ્બર 2024માં બોપલ વિસ્તારમાં ક્લબ ઓ-સેવન પાસે સગીરાના ઘરે જ લોકરની ચોરી કરી હતી, જેમાં સોના-ચાંદીના દાગીના, પાસપોર્ટ અને ગન લાયસન્સ સહિત જીવતા કારતૂસ મળી કુલ 1.56 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. 

પોલીસે સગીરા અને તેના પ્રેમીની ધરપકડ કરી 

ચોરી બાબતે સગીરાના પરિવારજનોએ તપાસ કરી પરંતુ કોઈ ભાળ મળી નહીં, સીસીટીવી ફૂટેજ તપાસતા તેમને પોતાની દીકરી પર જ શંકા ગઈ અંતે આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સગીરા અને તેના મિત્ર ઋતુરાજ ચાવડા નામના યુવકની ધરપકડ કરી. 

લોકર ચોરી કર્યાં બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીરા પોતાની સાવકી માતા સાથે રહેતી હતી. સાવકી માતાએ જ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં એ પણ સામે આવી છે કે આરોપી સગીરા અને તેના મિત્રે લોકર ચોરી કર્યાં બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું. બોપલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ અગાઉ સગીરા અને તેના મિત્રએ ચોરી કરી હતી કે કેમ કે તે અંગે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો