સુરતમાં હીટ એન્ડ રન, મોપેડ પર જતી બે યુવતીઓને કાર ચાલકે પાછળથી ટક્કર મારી ઉડાવી
સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કાર ચાલકો બેફામ પણ કાર ચલાવીને નિર્દોષોને અડફેટે

સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કાર ચાલકો બેફામ પણ કાર ચલાવીને નિર્દોષોને અડફેટે લઈ રહ્યાં છે. ત્યારે ઉતરાણ વિસ્તારમાં કાર ચાલકે ગફલતભરી સ્થિતિમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. રોડ પર આગળ મોપેડમાં જતી બે યુવતીઓને પાછળથી ટક્કર મારીને પછાડી દીધી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક નાસી ગયો હતો.
યુવતીઓ રોડ પર પટકાઈ
ઉતરાણ વિસ્તારમાં હીટ એન્ડ રન અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. મોપેડ પર યુવતીઓ શાંતિથી જઈ રહી હતી. આ દરમિયાન જ તેની પાછળ આવેલી કારે પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યો હતો. યુવતીઓના મોપેડને પાછળથી ટક્કર મારતા યુવતીઓ નીચે પટકાઈ હતી. જો કે, પટકાયેલી યુવતીઓને સારવાર માટે લઈ જવાની કે કારને થોભાવવાની તસ્દી લીધા વગર જ કાર ચાલક નાસી ગયો હતો.
કાર ચાલક ઝડપાયો
અકસ્માતની ઘટનાને અંજામ આપી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેથી સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલાકને ઝડપી પાડ્યો હતો. કાર ચાલાક વિક્રમ સિંહ અટાલિયા હોવાનું સામે આવ્યું છે. વિક્રમસિંહ અટાલિયા અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો હોવાની સાથે પકડાયો હોવાનું પણ ખુલી રહ્યું છે.







