મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરતી પરીક્ષાનું ભારણ? જૂનાગઢમાં 24 કલાકમાં બે ઉમેદવારોએ ઓછો સ્કોર આવતા જિંદગી ટૂંકાવી

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જૂનાગઢથી અત્યંત દુખદ સમાચાર સા

ભરતી પરીક્ષાનું ભારણ? જૂનાગઢમાં 24 કલાકમાં બે ઉમેદવારોએ ઓછો સ્કોર આવતા જિંદગી ટૂંકાવી

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જૂનાગઢથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતીમાં સફળતાના ઉંબરે પહોંચીને માત્ર એક-બે માર્ક્સ માટે રહી ગયેલા વધુ એક યુવાને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સતત બીજા દિવસે બનેલી આ ઘટનાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણ અને યુવાનોની માનસિક સ્થિતિ પર ચિંતા જન્માવી છે.

શું છે સમગ્ર ઘટના?

મૂળ રાજકોટના અને જૂનાગઢ તાલુકાના વધાવી ગામે રહેતા દીપક કાનજીભાઈ ચૌહાણ નામના યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી મુજબ, દીપક છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતી માટે દિવસ-રાત મહેનત કરી રહ્યો હતો. તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં તે માત્ર એક કે બે માર્ક્સ માટે નાપાસ થયો હોવાનું જાણવા મળતા તે ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો. આ નિષ્ફળતા સહન ન થતા તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

પિતાએ પોલીસને કરી જાણ

પુત્રના મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક દીપકના પિતાએ આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સતત બીજા દિવસે આત્મહત્યાની ઘટના

ચિંતાજનક વાત એ છે કે ગઈકાલે પણ જૂનાગઢમાં જ એક યુવતીએ પોલીસ ભરતીમાં ઓછો સ્કોર થતા અને નાપાસ થવાના ડરથી આત્મહત્યા કરી લીધી હતી. 24 કલાકમાં જ બે આશાસ્પદ ઉમેદવારોએ જીવ ગુમાવતા પરીક્ષાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગની જરૂરિયાત પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો