Ahmedabad news: યુવકની કરપીણ હત્યા કરનાર સગીર સહિત બે આરોપીઓ પકડાયા
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર રાત્રે થયેલી 19 વર્ષીય યુવક હિમેશ પરમારની હત્યાના ક

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર રાત્રે થયેલી 19 વર્ષીય યુવક હિમેશ પરમારની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી એક સગીર સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓ અમદાવાદ છોડીને નાસી જવાના હતા
નજીવી બાબતે ચાલતી માથાકૂટે હત્યાનું રૂપ ધારણ કર્યું હતું. ઓટલા પર બેસવા અને ત્યાંથી પસાર થવા મુદ્દે થયેલી અદાવતના કારણે સગીર આરોપીએ બદલો લેવા કાવતરું રચ્યું હતું. માહિતી મુજબ, આરોપી ખાસ ચોટીલાથી છરી ખરીદી લાવ્યો હતો. શનિવારે ફરી તકરાર થતા ગૌતમ ઉર્ફે ઇન્ડો સોલંકી વાતોમાં વ્યસ્ત રાખતો હતો, ત્યારે સગીરે પાછળથી છરીના ઘા મારી યુવકની હત્યા કરી હતી. હત્યા બાદ બંને આરોપીઓ અમદાવાદ છોડીને નાસી જવાના હતા, પરંતુ પોલીસે રિવરફ્રન્ટ પરથી બંનેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હત્યામાં વપરાયેલા હથિયાર શોધવાની કામગીરી ચાલુ છે.
આ લોહિયાળ ઘટના શનિવારે રાત્રે અંદાજે 10:00 વાગ્યાના અરસામાં બની હતી. બહેરામપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય હિમેશ પરમાર પર અજાણ્યા શખસોએ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. હુમલાખોરો હિમેશને લોહીલુહાણ હાલતમાં મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિનો તાગ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક હિમેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.






