Ahmedabad: સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડનાર બે આરોપીઓ ઝડપાયા, 10 મહિનામાં 60 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા
ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડને અટકાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડને અટકાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમદાવાદ સાયબર ક્રાઇમે મોટી સફળતા મેળવી છે. સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે બેંક એકાઉન્ટ પુરા પાડતા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ માત્ર 10 મહિનામાં 60 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમની ટીમે 'સમન્વય પોર્ટલ'ના ડેટાનું વિશ્લેષણ કરતાં યસ બેંક અને ઉત્કર્ષ બેંકમાં ખોલાવેલા કેટલાક બેંક એકાઉન્ટ વિરુદ્ધ ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં સાયબર ક્રાઇમની ફરિયાદો મળી આવી હતી. જેના આધારે તપાસ હાથ ધરીને પોલીસે ગિરીશ કોટેચા અને બ્રિજેશ પંચાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી પોલીસે 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક 17 મોબાઇલ 40 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, લેપટોપ, કંપનીના સ્ટેમ્પ, 9 સીમકાર્ડ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બંને બેન્ક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયા 4 કરોડો 77 લાખ જમા થયા હતા. આ બંને આરોપીઓએ અલગ અલગ પેઢીના નામે સંયુક્ત ભાગીદારીમાં તથા વ્યક્તિગત રીતે 12 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેની વિરુદ્ધમાં 22 જેટલી સાઇબર ક્રાઈમની ઓનલાઈન ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલી છે. આમ આરોપીઓએ આ રીતે કુલ 60 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ તમામ બેંક એકાઉન્ટ માં માત્ર 10 મહિનામાં કરોડો રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા બંને આરોપીઓ જામનગરના જીગ્નેશ દલસાણીયા સાથે સંપર્કમાં હતા. જીગ્નેશ દલસાણીયા આ આરોપીઓને એક બેંક એકાઉન્ટ દીઠ ₹40,000 ચૂકવતો હતો. ત્યારબાદ, જીગ્નેશ આ બેંક એકાઉન્ટની વિગતો દુબઈમાં રહેતા માર્ક નામના વ્યક્તિને મોકલી આપતો હતો. મુખ્ય આરોપી માર્કે શેરબજારમાં લે-વેચ કરવા માટે એક એપ્લિકેશન બનાવી હતી, જેમાં ડિપોઝિટ અને વિદ્રો નામના બે ઓપ્શન હતા. જ્યારે કોઈ વ્યક્તિ 'ડિપોઝિટ' પર ક્લિક કરતું, ત્યારે એક QR કોડ જનરેટ થતો હતો. આ QR કોડ સ્કેન થતાં જ નાણાં સીધા આ 'મ્યુલ એકાઉન્ટ્સ'માં જમા થતા હતા.
હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓએ આપેલા મ્યુલ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા છે, કોના કોના નામે આ એકાઉન્ટ ખોલાવ્યા છે અને એકાઉન્ટ ધારકને કેટલા રૂપિયા આપવામાં આવતા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.








