સાણંદમાં ટ્રક ચાલકે GRD જવાનને કચડ્યો, 3 આરોપીઓ ઝડપાયા
અમદાવાદના સાણંદમાં GRD જવાનને ટ્રકથી કચડ્યો હતો. જેમાં સ્થાનિકોએ ટ્રકનો પીછો કરીને પકડી પાડતાં

અમદાવાદના સાણંદમાં GRD જવાનને ટ્રકથી કચડ્યો હતો. જેમાં સ્થાનિકોએ ટ્રકનો પીછો કરીને પકડી પાડતાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, 8 માર્ચે આરોપીઓ કચ્છ મુંદ્રાથી ઇડર જવા નીકળ્યા હતા. દરમિયાન સાણંદના બાયપાસ રોડથી 5 કિમિ બચાવવા 'નો એન્ટ્રી'માં ટ્રક ઘુસાડયું હતું. GRD જવાન જગદીશભાઈ ડ્યુટી પર હાજર હતા ત્યારે ટ્રક ચાલક શંકરસિંહ ચૌહાણ વિરમગામ સાણંદ હાઇવે પર નો એન્ટ્રીમાં ટ્રક પ્રવેશ કરતા અટકાવી તો ટ્રક ચાલકે ટ્રક રોકવાના બદલે GRD જવાનના બાઈક સાથે અથડાવી હતી. જેથી જવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
અકસ્માત કરીને ટ્રેલર ભાગી ગયું હતું
સાણંદ પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે નોકરી કરતાં અને સાણંદના ફાંગડી ગામના રહીશ જગદીશભાઈ શામજીભાઈ મકવાણા સાણંદ શહેરમાં વિરમગામ સ્ટેટ હાઇવે પર સાણંદ તરફ જતાં હતા, ત્યારે હાઇવે પર બેફામ રીતે જતાં એક ટ્રક ચાલકને રોકતાં સાણંદ શહેરમાં આવેલ હજારી માતાના મંદિર સામે એક શોરૂમ પાસે જીઆરડી જવાન જગદીશભાઈના બાઇક સાથે અકસ્માત કરીને ટ્રેલર ભાગી ગયું હતું. અકસ્માતમાં જગદીશભાઈને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું.
તપાસનો ધમધમાટ ચાલુ
સમગ્ર ઘટનામાં અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી તપનસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ મૂળ રાજેસ્થાનના રહેવાસી છે. આરોપી શંકરસિંહ ચૌહાણ ટ્રક ચલાવતો હતો. જ્યારે સૈતાનસિંહ અને મંગલસિંહ ક્લીનર હતા. આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદ પોલીસે GRD જવાનની હત્યા કેસમાં આરોપીઓની ધરપકડ કરીને ટ્રક પણ કબ્જે લીધી છે. આ ટ્રક ચાલકનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં અને ટ્રકમાં કોઈ શકાસ્પદ વસ્તુ હતી કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.
જણાવી દઈએ કે, GRD જવાન જગદીશભાઈ મકવાણા છેલ્લા 8 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. અને નો એન્ટ્રી પોઇન્ટ પર તેમની ડ્યુટી રાખવામાં આવી હતી. થોડા સમય પહેલા મોટા વાહનો ની અવર જવરમાં એક બાળકીનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. જેથી સ્થાનિકોના વિરોધ બાદ પોલીસે મોટા વાહનોની નો એન્ટ્રી કરી છે. અને પોલીસનો પોઇન્ટ રાખવામાં આવ્યો છે.






