મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બુટલેગરે સ્કોર્પિયોથી પોલીસ કર્મીને કર્યો કચડવાનો પ્રયાસ, પકડાયા બાદ પગ પર ઉભા રહેવું પડ્યું ભારે 

સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તે પ્રકારનો કિસ્સો ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો હતો. ભેસ્તાન વ

સુરતમાં બુટલેગરે સ્કોર્પિયોથી પોલીસ કર્મીને કર્યો કચડવાનો પ્રયાસ, પકડાયા બાદ પગ પર ઉભા રહેવું પડ્યું ભારે 

સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તે પ્રકારનો કિસ્સો ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં એક બુટલેગરે પોલીસ કર્મચારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પોતાની સ્કોર્પિયો ગાડીથી પોલીસ વાનને ટક્કર મારી તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં હવે પોલીસે બુટલેગર યુસુફ ઉર્ફે ટેણીની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃસુરત પાલિકાની બલિહારી, 9 ઝોનમાંથી 4 ઝોનનો હવાલો એક જ અધિકારીને માથે થોપી દેવાયો

10 મિનિટ કાર ફરતે ફેરવી

ભેસ્તાન વિસ્તારમાં બુટલેગર યુસુફ દ્વારા ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલ પર પોતાની કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ આરોપીએ 10 મિનિટ સુધી પોલીસ કર્મચારીની આસપાસ કાર ગોળ ગોળ ફેરવી હતી અને ત્યારબાદ પોલીસની પીસીઆર બોલેરો સાથે પોતાની કાર અથડાવી હતી. ત્યારબાદ તે ભાગી ગયો હતો આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આરોપી યુસુફ સામે ગુનો દાખલ થયો હતો અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

સેલવાસ તરફ નાસી ગયો

આરોપીની શોધખોળ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન નજીકથી આરોપીની ધરપકડ કરી. આરોપી પોલીસ પર હુમલો કર્યા બાદ તે પોતાની ગાડી લઈને સેલવાસ તરફ ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આરોપી જે ગાડીમાં ફરાર થયો હતો તે સ્કોર્પિયો પોલીસને દાદરા નગર હવેલી પાસેથી મળી આવી હતી. આરોપી જે સમયે ભાગ્યો હતો ત્યારે તેની પાસે ડીઝલ પુરાવાના પૈસા ન હતા અને એટલા માટે જ તે ગાડી મૂકીને ભાગ્યો હતો અને પૈસા તેમજ કપડા લેવા માટે પોતે ટ્રેન મારફતે સુરત આવી રહ્યો હતો અને આ બાતમી પોલીસને મળતા ભેસ્તાન રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ સ્ટેશનમાં આજીજી

જે બુટલેગર યુસુફ પોલીસ કર્મચારીને મારી નાખવા સુધીની વાત કરતો હતો તે પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસે યુસુફને બરાબરનો પાઠ ભણાવ્યો અને આ જ યુસુફ પોલીસ કસ્ટડીમાં સરખો ઉભો પણ રહી ન શકતા પોલીસ સામે પોતે બેસવા માટે આજીજી કરતો જોવા મળ્યો હતો. એટલે ધરપકડ બાદ આ બુટલેગરની બધી હેકડી પોલીસે કાઢી નાખી હતી.

અવારનવાર કરતો દાદાગીરી

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ યુસુફ પોતાના વિસ્તારમાં અવારનવાર દાદાગીરી કરતો જોવા મળે છે અને નાની મોટી બાબતોમાં મારામારી કરી એ આરોપી માટે ખૂબ જ સામાન્ય બની ગયું છે. જે તે સમયે આરોપીએ પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ યુસુફે સૌપ્રથમ કોન્સ્ટેબલને અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત કોન્સ્ટેબલનો પટ્ટો પકડીને તેની સાથે ધક્કા મૂકી કરી હતી અને ત્યારબાદ  કોન્સ્ટેબલ દ્વારા અન્ય પોલીસકર્મીને ફોન કરીને બોલાવવામાં આવતા પોલીસની પીસીઆર વાન સાથે જ પોતાની કાર અથડાવી આરોપી ભાગી ગયો હતો.

આ સમાચાર શેર કરો