સુરતમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા ઉમટી પડ્યા, લોક દરબારમાં પોલીસ કમિશનરને કરી ફરિયાદ
વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસે ફરી એક વખત સક્રિય રીતે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝું

વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસે ફરી એક વખત સક્રિય રીતે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે ડીસીપી ઝોન ચારના ખટોદરા, પાંડેસરા, અઠવા, વેસુ, ઉમરા અને અલથાણ એમ છ પોલીસ સ્ટેશન વિસ્તારનો એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા આ લોક દરબારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત મુખ્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં 150થી વધુ ફરિયાદીઓ આ લોક દરબારમાં હાજર રહ્યાં હતાં. તમામની ફરિયાદ સાંભળી એનું યોગ્ય નિકાલ કરવામાં પ્રયત્ન કરાયો હતો.
અરજદારોએ પ્રશ્નો રજૂ કર્યા
પાંડેસરા, અઠવા, ઉમરા, વેસુ , ખટોદરા પોલીસ મથકના તમામ ફરિયાદીઓ એક જ જગ્યા પર એકઠાં થયાં હતાં. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તમામ ફરિયાદીઓને સાંભળી હતી. આ તબક્કે એકઠાં થયેલા 150 જેટલા અરજદારોએ પોતાની અરજીઓ આપી હતી. સાથે જ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં.
વ્યાજખોરો ધમકી આપતાં
ઘણા ફરિયાદીઓએ પોતે લીધેલા વ્યાજના રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં પણ તેમની પાસેથી વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું કહ્યું હતું. સાથે જ ઘણા અરજદારોએ તેમના સગા સંબંધીઓ પાસેથી પણ ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. આ રૂપિયા માટે તેઓ ધાકધમકી આપતાં હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.








