મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જમાલપુર APMC બહાર શાકભાજીનાં વાહનોથી ટ્રાફિકની સમસ્યા, રસ્તો બ્લોક થતાં સ્થાનિકો ત્રાહિમામ

જમાલપુર APMC બહાર શાકભાજીનાં વાહનોથી ટ્રાફિકની સમસ્યા, રસ્તો બ્લોક થતાં સ્થાનિકો ત્રાહિમામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ અમદાવાદ શહેરના શાકભાજી બજારોમાં તાજા શાકભાજીની વિપુલ પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને શહેરના મુખ્ય એવા જમાલપુર APMC ખાતે મોડી રાતથી જ વિવિધ જિલ્લાઓ અને રાજ્યોમાંથી શાકભાજી ભરેલા ટ્રક, ટેમ્પો અને નાના-મોટા વાહનોની લાંબી લાઇનો લાગવા માંડે છે. પરંતુ આ આવક સાથે જ આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે.

જેમ-તેમ પાર્કિંગથી મુખ્ય રસ્તો બ્લોક, તંત્રની બેદરકારી!

જમાલપુર માર્કેટમાં આવતા વેપારીઓ અને ડ્રાઇવરો દ્વારા પોતાના વાહનો આડેધડ અને જેમ-તેમ પાર્ક કરી દેવામાં આવે છે. જેના કારણે માર્કેટ બહારનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે. વહેલી સવારે 6 વાગ્યા સુધી શાકભાજીના વાહનોનો રોડ પર જમાવડો રહેતો હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે તેવી ફરિયાદ ઉઠી રહી છે.

ST બસો અને સવારના વાહનચાલકો ભારે હાલાકીમાં

રસ્તો બંધ જેવો થઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે નીકળતા વાહનચાલકો, અને ખાસ કરીને ST બસોના ચાલકો ભારે મુશ્કેલીમાં મૂકાય છે. ST બસો અને એમ્બ્યુલન્સ જેવા અત્યાવશ્યક વાહનો પણ ટ્રાફિક જામમાં અટવાઈ પડે છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, આ સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ દર શિયાળે અહીં આ જ પરિસ્થિતિ નિર્માણ પામે છે.

AMC અને APMC પ્રશાસન સામે લોકોનો આક્રોશ

સ્થાનિક લોકો અને વાહનચાલકોની કડક માગ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને APMC પ્રશાસન આ બાબતને ગંભીરતાથી લે. માર્કેટની અંદર જ વાહનોના વ્યવસ્થિત પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવે અથવા રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસ પોઇન્ટ મૂકીને આડેધડ પાર્કિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સામાન્ય નાગરિકોને રોજ-રોજના ટ્રાફિકમાંથી મુક્તિ મળે.

આ સમાચાર શેર કરો