કર્ણાવતીથી સાણંદ ચોકડી સુધીના સિક્સ લેન બ્રિજને આખરી ઓપ, જાણો કયારે કરાશે ઉદ્ઘાટન

અમદાવાદના અતિવ્યસ્ત એસ. જી. હાઇવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી વચ્ચે છેલ્લા બે વર્ષ અને ત્રણ મહિનાથી આકાર લઈ રહેલા 4.3 કિલોમીટર લાંબા નવા ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હવે પૂરું થઈ ગયું છે. આગામી દિવાળી આસપાસ આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતા છે, જેનાથી લાખો વાહનચાલકોના સમય અને ઇંધણની મોટી બચત થશે. મહત્ત્વનું છે કે, NHAIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે બ્રિજ પર સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે જે આગામી ત્રણ-ચાર દિવસમાં પૂરું થઈ જશે. એ પછી સત્તાવાર ઉદ્ઘાટનની જ રાહ જોવાઈ રહી છે.
SG હાઇવે પર કર્ણાવતીથી સાણંદ ચોકડી જતાં બ્રિજનું નિર્માણકાર્ય પૂરું
ઉલ્લેખનીય છે કે, એસ. જી. હાઇવે પર કર્ણાવતીથી સરખેજ સાણંદ ચોકડી જતાં આ ઓવરબ્રિજમાં 6 લેન છે અને 4.3 કિમી લાંબો છે. સરખેજ-સાણંદ ચોકડીથી ઈસ્કોન જતાં નીચેથી ઉપર બ્રિજ પર ચડવા માટે 3 રેમ્પ અને ઈસ્કોનથી સરખેજ-સાણંદ ચોકડી જતાં નીચેથી ઉપર બ્રિજ પર 3 ચડવા માટે રેમ્પ બનાવ્યા છે.
NHAIના અધિકારીએ કર્ણાવતીથી સરખેજ તરફ જતાં નવા ઓવરબ્રિજ અંગે જણાવ્યું કે, 'બ્રિજનું કામ અત્યારે ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. હાલમાં ઉપરના બ્રિજનું કામ ક્લિયર થઈ ગયું છે અને સાફ-સફાઈની કામગીરી ચાલી રહી છે. લાઇટોના ફિટિંગ્સ, નોઇઝ બેરિયર અને થર્મોપ્લાસ્ટિક રોડ ફર્નિચર જેવા તમામ કામો પૂરા થઈ ગયા છે તથા લાઇટો અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે. આગામી 25 તારીખ સુધીમાં ઉપરના બ્રિજનું 100% કામ ક્લિયર થઈ જશે. જો ઉપરથી વાહનવ્યવહાર શરૂ કરવો હોય તો કરી શકાય તેમ છે અને નીચેનું સાઈડના રોડનું નાનું-મોટું કામ ચાલતું રહેશે.'
બ્રિજના ઓપનિંગ વિશે વાત કરતા NHAIના અધિકારીએ કહ્યું કે, બ્રિજના ઉદ્ઘાટન અંગે હજી ચર્ચા ચાલી રહી છે કે તેનું ઓપનિંગ કોણ કરશે અને ક્યારે કરશે. હવે તારીખ આપવાનું ઉપરના અધિકારીઓ પર નિર્ભર છે.
કર્ણાવતી-સરખેજ બ્રિજનું કામ 31 ઑક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા NHAIને સ્પષ્ટ સૂચના
આ પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, 'અમે અમદાવાદ શહેરના તમામ બ્રિજના કામ, પડેલા ખાડા અને રસ્તાઓની વર્તમાન સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી રહ્યા છીએ. કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજ અંગે અમારા અધિકારીઓએ NHAIના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે આ બ્રિજનું નિર્માણ કાર્ય આગામી 31 ઑક્ટોબર સુધીમાં પૂરું કરવાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રિજના નિર્માણમાં ઘણી ટેકનિકલ બાબતો સામેલ હોવાથી અમે તેમાં કોઈ ઉતાવળ નહીં કરીએ, પરંતુ બ્રિજની નીચે પડેલા ખાડા પૂરવાનું અને રસ્તાના સમારકામનું કામ અત્યારથી જ શરૂ કરી દેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચોમાસું પૂરું થઈ ગયું હોવાથી નીચેના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક શરૂ થઈ શકે તેમ છે અને જ્યારે બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાય તે પહેલાં નીચેનો તમામ રસ્તો પણ બની જશે.'
તો આ પહેલાં અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ બાદ NHAIએ એસ. જી. હાઇવે પર કામગીરી પૂરી કરવા અંગે જણાવ્યું હતું કે, 'કર્ણાવતી બ્રિજ શરૂ કરવા અંગે પોલીસ કમિશનર સાથે મારી વાત થઈ હતી અને એમની ટીમે સાઈટ પર પણ મુલાકાત લીધી હતી. 30 ઑક્ટોબર સુધીમાં ઉપરનો બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવો હોય તો ખોલી શકાય તેમ છે. હાલમાં નાનું-મોટું ફિનિશિંગ કામ જેમ કે લાઇટિંગ, ટેબલ ચેકિંગ, થર્મોપ્લાસ્ટ પેઇન્ટિંગ અને રોડ ફર્નિચરનું કામ ચાલુ છે, જેમાં થોડા દિવસો જશે અને 31 ઑક્ટોબર સુધીમાં બધું ક્લિયર થઈ જશે.'












