મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વટવામાં કેમિકલ વેપારી સાથે 18 કરોડની ઠગાઈ; 179 ચેક રિટર્ન થતાં CPને અરજી, પોલીસે નોંધી ફરિયાદ

વટવામાં કેમિકલ વેપારી સાથે 18 કરોડની ઠગાઈ; 179 ચેક રિટર્ન થતાં CPને અરજી, પોલીસે નોંધી ફરિયાદ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદના વટવા ખાતે કેમિકલનો વેપાર કરતા વેપારી સાથે ₹18.03 કરોડની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં એટેક્ષ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિકે સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ પાસેથી કરોડો રૂપિયાનું રો-મટીરીયલ ખરીદ્યા બાદ બાકી નીકળતી રકમ પેટે આપેલા 179 જેટલા ચેક બાઉન્સ થતાં અને 64 નોટિસનો કોઈ જ જવાબ ન આપતા આખરે પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેમિકલ વેપારી સાથે ₹18 કરોડની છેતરપિંડી

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સંજય લાલજીભાઈ ગુપ્તાની માલિકીની કંપની સિધ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ કલર બનાવવાના રો-મટીરીયલ અને કેમિકલનો વેપાર કરે છે. વટવા ખાતે આવેલી એટેક્ષ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝના માલિક ભાનુપ્રસાદ મોતીલાલ પટેલે તેમની પાસેથી એપ્રિલ 2024થી જાન્યુઆરી 2026 સુધીમાં કુલ રૂપિયા 70,17,92,907ના અલગ અલગ કેમિકલની ખરીદી કરી હતી. આ ખરીદીના બીલો પેટે ભાનુપ્રસાદ પટેલે ફેબ્રુઆરી 2026 સુધીમાં ટુકડે ટુકડે રૂપિયા 52,13,93,090ની ચૂકવ્યા હતા. પરંતુ રૂપિયા 18,03,99,817 ચૂકવવાની બાકી હતી. આરોપીએ ફરિયાદી પાસેથી ખરીદેલા આ કેમિકલમાંથી ડાઈસ બનાવીને બજારમાં વેચી દીધી હતી અને તેમાંથી મળેલા રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી લીધા હતા.

179 ચેક રિટર્ન થયા

બાકી નીકળતા રૂપિયા 18,03,99,817ની વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપી દ્વારા બહાના અને વાયદાઓ કરીને આજદિન સુધી રકમ ચૂકવવામાં આવી નથી. ખરીદીના બાકી બીલ પેટે આરોપીએ ડિસેમ્બર 2025થી ફરિયાદીને કુલ 179 ચેક આપ્યા હતા, પરંતુ બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી આ તમામ ચેક રિટર્ન થયા હતા.

અંતે કમિશનરને અરજી કરતા નોંધાઈ ફરિયાદ

આ બાબતે ફરિયાદીએ પોતાના વકીલ દ્વારા રજીસ્ટર એ.ડી.થી કુલ 64 નોટિસ મોકલી હોવા છતાં આરોપીએ કોઈ જવાબ આપ્યો ન હતો કે રકમ ચૂકવી ન હતી. આ અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ હવે ભાનુપ્રસાદ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો