સુરતમાં ‘સાહસ પ્રીમિયમ’ બ્રાન્ડના નામે વેચાતા ઘીમાં ભેળસેળ હોવાનો ખુલાસો, 900 કિલો જથ્થો જપ્ત

સુરતમાં તહેવારોના સમયે નકલી ઘીના મોટા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ‘સાહસ પ્રીમિયમ’ બ્રાન્ડના નામે વેચાતા ઘીમાં ભેળસેળ હોવાનો ખુલાસો થયો હતો.
ગાયના ઘી જેવું દેખાતું નકલી ઘી
મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને કેમિકલ એસેન્સની ભેળસેળ કરીને અસલ ગાયના ઘી જેવું દેખાતું નકલી ઘી બનાવવામાં આવતું હતું. આ નકલી ઘી બજારમાં માત્ર ₹300 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.
900 કિલો જથ્થો જપ્ત
પોલીસે દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 900 કિલો પેકેટબંધ નકલી ઘી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં આ કારખાનું છેલ્લા એક મહિનાથી કોઈપણ કાયદેસરના લાયસન્સ વિના ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. તહેવારો દરમિયાન સસ્તા ભાવે વેચાતા આ ભેળસેળયુક્ત ઘીના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવાની આશંકા છે. કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગે સ્થળ પરથી ઘીના નમૂના એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે તપાસ આગળ વધતાં નકલી ઘીના નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.









