બોડેલી પંથકમાં ટામેટાએ ખેડૂતોને રડાવ્યા, ભાવ ન મળતાં ખેતરમાં ચલાવી દીધું ટ્રેક્ટર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ગામોમાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતો ખેતરમાંથી ટામેટા જ નથી તોડતા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ગામોમાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતો ખેતરમાંથી ટામેટા જ નથી તોડતા એક કિલોના ભાવ 3 થી 4 રૂપિયા થઇ ગયા છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરમાંથી ટામેટા તોડવાનો ખર્ચ 3 રૂપિયા લાગે છે. ટામેટા પેક કરવા માટે 20 રૂપિયાનું બોક્સ આવે છે. ટામેટા માર્કેટ સુધી પહોંચાડવા માટે 50 રૂપિયાનો ખર્ચ લાગે છે. માટે ખેડૂતો ટામેટા જ ખેતરમાંથી તોડતા નથી. એક ખેડૂતે તો ટામેટાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી દઈને ટામેટાના છોડ ઉખાડી નાખ્યા છે.
ખર્ચ જેટલી પણ આવક નથી મળતી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી, નવાટીંબરવા, નવાગામ, ભીલવાણીયા, કરાલી જેવા ગામોમાં ખેડૂતોએ ટામેટાની ખેતી કરી હતી. હાલ ટામેટા છોડ ઉપર મબલખ પ્રમાણમાં લાગેલા છે. તેમ છતાં ખેડૂતો આ ટામેટા તોડતા નથી. જયારે ખેડૂતોને આ બાબતે પૂછતાં તેઓએ કહ્યું કે, ટામેટાના બીજા ફાલમાં ટામેટાના ભાવ કિલોના 3 થી 4 રૂપિયા થઇ ગયા છે. ભાવ ઘટી જતા ટામેટા વીણવાનો ખર્ચ અને તેને બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ 100 રૂપિયા 20 કિલોના થઇ જાય છે. જયારે મહેનત કર્યા પછી વેચવા જાય ત્યારે ખોટ જાય છે. તેના માટે ખેતરમાંથી ટામેટા વીણતાં નથી. હાલ ટામેટાના ભાવ છેલ્લા એક માસથી ઘટી ગયા હોવાથી ખેડૂતોએ કરેલ ખર્ચના નાણાં પણ ના મળતા ખેડૂતો બેંકોમાંથી લોન લઈને વ્યાજે લાવીને ખેતી કરી હતી. પરંતુ ટામેટાની ખેતીએ ખેડૂતોને માથે હાથ મૂકીને રડાવતાં બેંકોના દેવા ભરવા ખેડૂતોને મુશ્કેલી સર્જાય છે.
ટામેટાની ખેતી ન કરવા નિર્ણય
ખેડૂતોનો માલ તૈયાર થાય છે. તે વખતે ભાવ ઘટી જાય છે. હાલ નવાટીમ્બરવાં ગામના ખેડૂતે ત્રણ એકર ટામેટી વાવી હતી તેને ભાવ ન મળતા ટામેટાની ખેતીમાં ટ્રેક્ટર મારીને ટામેટી ઉખેડી નાખી છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. પરંતુ ખેડૂતો દિવસે દિવસે પાયમાલ થઇ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સૌથી વધુ ટામેટાની ખેતી થાય છે. ખેડૂતો હાલ ટામેટાની ખેતીમાં ભાવ ન મળતા ખેતરમાંથી ટામેટા ન તોડતા ખેતરોમાં મોટા મોટા ટામેટા થઇ ગયા છે. એની જાતે જ ટામેટા જમીન ઉપર તૂટી પડે છે. હાલ તો આ વિસ્તારના ખેડૂતો ટામેટાની ખેતી આવતા વર્ષથી નહિ કરવાનો નિર્યણ લીધો છે. આવી સ્થિતિમાં સરકાર પણ મદદ કરતી નથી. થોડા દિવસોમાં ખેડૂતો આ ટામેટા પશુઓને ખવડાવી દેશે. હાલ તો ટામેટાનો પાક નિષ્ફળ જતા સરકાર પાસે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. બાગાયત વિભાગના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.








