સુરેન્દ્રનગર જિલ્લામાં ACBનો સપાટો: બે સરકારી અધિકારી સહિત ત્રણને લાંચ લેતા ઝડપ્યા, છટકું ગોઠવીને દબોચ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં ACBએ ગઈકાલે એક જ દિવસમાં બે સરકારી અધિકારી અને અન્ય એક શખ

સુરેન્દ્રનગર જિલ્લામાં ACBએ ગઈકાલે એક જ દિવસમાં બે સરકારી અધિકારી અને અન્ય એક શખ્સને લાંચ લેતા રંગેહાથ દબોચ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર, ખાણ ખનિજ વિભાગના કલાર્ક, અન્ય એક શખ્સને લાંચ લેતાં ઝડપી લીધા હતા. આ બંને ટ્રેપ ACBના રાજકોટ અને ભાવનગર એકમ દ્વારા ગોઠવવામાં આવી હતી.
કચેરીના સર્કલ ઓફિસર જીજ્ઞેશ હરિભાઈ પાટડીયાએ રૂા.૧ લાખની લાંચ માંગી
ACBના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના સંબંધીએ નવાગામ સર્વે નં.૬પની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી કરી હતી. જે જમીનની ગામ નમુના નં.૬માં નોંધ કરાવવાના બદલામાં ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીજ્ઞેશ હરિભાઈ પાટડીયાએ રૂા.૧ લાખની લાંચ માંગી હતી.
રકઝકના અંતે રૂા.૪૦ હજાર લેવાનું નક્કી કર્યું
જીજ્ઞેશ હરિભાઈ પાટડીયાએ ફરિયાદી સાથે રકઝક કરી હતી, આ રકઝકના અંતે રૂા.૪૦ હજાર લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACBના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીના ભાવનગર એકમના પીઆઈ આર. ડી.સગરે ટ્રેપ ગોઠવી આરોપી જીજ્ઞેશભાઈને તેની જ ચેમ્બરમાંથી રૂા.૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.
સુરેન્દ્રનગરના ખાણ ખનિજ વિભાગના નાકા ક્લાર્ક અને ગાર્ડ એક હજારની લાંચ લેતા ઝડપાયા
બીજા કેસમાં સુરેન્દ્રનગરના ખાણ ખનિજ વિભાગના નાકા ક્લાર્ક સાજીદખાન અહેમદખાન પઠાણ (ઉ.વ.૫૫) અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ હીરાભાઈ ઝાલા (ઉ.વ.૪૭)ને ગત રોજ ACBએ રૂા. ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે.
૧૫૦૦ની લાંચની માગણી કરી
એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના ત્રણ ડમ્પર ખનિજ વાહન માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે. જેથી લીંબડી પાસેના કટારિયા ગામના બોર્ડ પાસે આવેલી ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટના નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશે ફરિયાદી પાસેથી એન્ટ્રીનાં અને હેરાનગતિ નહીં કરવાના બદલામાં એક ડમ્પર દીઠ રૂા. ૫૦૦ લેખે રૂા. ૧૫૦૦ની લાંચની માગણી કરી હતી.
રકઝકના અંતે રૂા. ૧૦૦૦ લેવા માટે તૈયાર થઇ ગયા
રકઝકના અંતે રૂા. ૧૦૦૦ લેવા માટે તૈયાર થઇ ગયા હતા. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી રાજકોટ વિભાગના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહીલ સામે ફરિયાદ દાખલ કરી હતી. પીઆઈ એમ.એમ. લાલીવાલાએ ટ્રેપ ગોઠવી હતી.નક્કી થયા બાદ મુજબ ફરિયાદી ખાણ ખનિજ વિભાગની ચેક પોસ્ટે પહોંચ્યા હતા. જ્યાં નાકા ક્લાર્ક સાજીદખાન અને સિક્યોરિટી ગાર્ડ ગિરીશ રૂા. ૧૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ એસીબીના હાથે ઝડપાઇ ગયા હતાં. બંને આરોપીઓ સામે ACBએ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.
એક જ દિવસમાં બે ACBની સફળ ટ્રેપ થતાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં બે ACBની સફળ ટ્રેપ થતાં જિલ્લાના સરકારી કચેરીઓમાં લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.








