ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરનાર ત્રણની ધરપકડ
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે

પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામે આવેલા જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી. જો કે, પોલીસને મૂર્તિઓ ખંડિત થવાની ઘટનાની જાણ થતા પોલીસે પોતાની રીતે તપાસ કરી હતી.
જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં મૂર્તિઓ ખંડિત કરનાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓ ધનેશ્વર ગામના જ રહેવાસી છે. મેદાનમાં ક્રિકેટ રમતાં-રમતાં કેમ્પસમાં આવેલા દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાનો અટકચાળો કર્યો હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા
દેરાસર પાસે પડેલી પથ્થરોની મૂર્તિઓ ખંડિત કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ કરતા મૂર્તિઓ પોતે ખંડિત કરી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ-2023ની કલમ-299 અને 324/2 મુજબ ગુન્હો નોંધ્યો હતો. જો કે ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ સામાન્ય બાબત મસ્તીમાં જ આરોપીઓએ મૂર્તિઓ ખંડિત કરી હોવાનું સામે આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
ધનેશ્વર ગામમાં વિજય ઇન્દ્ર જગત વિદ્યાલયના પટાંગણમાં ભગવાન મહાવીર સ્વામીનું જિનાલય આવેલું છે. રવિવારે કેટલાંક અજાણ્યા ઇસમો દ્વારા દેરાસરના મિજાગરા નકુચા તોડી અંદર બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. પલાઠી અને હાથ તોડી નાખવામાં આવ્યા હતા. ગર્ભગૃહ બહાર સ્થાપિત ગૌતમ સ્વામીની પ્રતિમાનો તો પલાઠી સિવાયનો સંપૂર્ણ ભાગ તોડી પડાયો હતો અને વલ્લભસૂરી મહારાજની મૂર્તિનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું. આ ઘટનાની જાણ વાયુવેગે જૈન સમાજમાં પ્રસરી જતાં ભારે આક્રોશનું વાતાવરણ જોવા મળ્યું હતું.
આ મામલે જૈન અગ્રણીઓએ મંગળવારે ઘોઘંબાના રાયગઢ પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. બી.ટી. બુટીયાને રજૂઆત કરી હતી કે, આરોપીઓને શોધી કાઢવામાં આવે. દુનિયાભરમાં વસતા લાખો જૈનોની ધાર્મિક લાગણી દુભાણી છે. મામલાની ગંભીરતા જોતાં પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને શકમંદો તથા સીસીટીવીના ફૂટેજના આધારે આ ઘટનાને અંજામ આપનાર તત્ત્વો ઉપર ગાળીયો કસવામાં આવ્યો હતો.








