Ahmedabad news: રસ્તા પર બીયરનાં ટીન ફેંકનાર ત્રણની ધરપકડ, અગાઉ પણ દારૂના ગુનામાં થઈ હતી કાર્યવાહી
અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે એક મહિલા બુટલેગર દ્વારા જાહેર રસ્તા પર બિયર ભરેલા બેગ ફેકવાની ઘટના બાદ પ

અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે એક મહિલા બુટલેગર દ્વારા જાહેર રસ્તા પર બિયર ભરેલા બેગ ફેકવાની ઘટના બાદ પોલીસે બુટલેગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસથી બચવા બિયર ભરેલો થેલો રસ્તા પર ફેંકી દીધો
અમદાવાદમાં ગઈકાલે બપોરના સમયે નરોડા વિસ્તારના નાના ચિલોડા ચાર રસ્તાથી સરદારનગર જવાના રસ્તા પર એક અજીબોગરીબ ઘટના બની હતી. એક મહિલા દ્વારા તેની પાસે રહેલી બેગ જાહેર રસ્તા પર ફેંકી હતી, જે બેગમાં બિયરના ટીન ભરેલા હતા. મહિલા જ્યારે રિક્ષામાંથી પસાર થતી હતી ત્યારે તેની પાસે રહેલો થેલો ફેકતા જ તેમાંથી બિયરના ટીન રસ્તા પર પડ્યા હતા. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓમાં થોડા સમય માટે અચરજ સર્જાયું હતું.જો કે પછી ખ્યાલ આવ્યો કે પોલીસ દ્વારા આ મહિલા બુટલેગરનો પીછો કરવામાં આવી રહ્યો હતો, જેથી પોલીસથી બચવા તેણે પોતાની પાસે રહેલો બિયર ભરેલો થેલો રસ્તા પર ફેંકી દીધો હતો.
પોલીસે ત્રણ વ્યક્તિની કરી ધરપકડ
પોલીસે સમગ્ર મામલે નિતેશ ઈન્દ્રેકર,સોનિયા ઈન્દ્રેકર અને અંબિકા રાહુલની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ છારાનગર વિસ્તારમાં રહે છે અને ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સરદારનગર પોલીસ મથકમાં દારૂ અંગેની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. નરોડા પોલીસે આરોપીઓ પાસેથી એક રીક્ષા, 9900 રૂપિયાની કિંમતના 45 બિયરના ટીન સહિત 42900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.






