સુરતની અંજની ઈન્ડસ્ટ્રીયલમાં ધમકીભર્યા પોસ્ટરથી કામદારોને જીવનું જોખમ, ગૃહમંત્રી સામે કડક પગલાં લેવા માગ
સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઉડિયા

સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવીને ભાવ વધારાની માગણી કરી છે અને કર્મચારીઓ પર જાણે જીવનું જોખમ હોય તે પ્રકારની ધમકી આડકતરી રીતે આપવામાં આવી છે. ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા પોલીસની મદદ માગવામાં આવી છે અને કર્મચારીઓમાં દર વર્ષે આ પ્રકારે ભયનો માહોલ ફેલાવનારા ઈસમો સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
અંગો કાપવાની અપાઈ ધમકી
છેલ્લા સાત વર્ષથી ઉડિયા ભાષામાં જે પોસ્ટરો લાગે છે તેમાં કોઈ વખતે શરીરના અંગો કાપવાની ધમકી લખવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવ વધારાની સાથે જીવનું જોખમ હોવા બાબતની ધમકી પણ આ પોસ્ટરમાં લખવામાં આવી છે. તો બીજી તરફ અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે. અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારોની રજૂઆતને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસની એક ટીમને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં જ તહેનાત કરવામાં આવી છે. જેથી કરીને કર્મચારીઓમાં જે ભયનો માહોલ ફેલાયો છે તે દૂર થાય અને ફરીથી ઉત્પાદન કાર્ય શરૂ થાય.
કડક કાર્યવાહીની માગ
અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદાર વિજય માંગુકિયાએ કહ્યું કે, દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંયાના ઉદ્યોગકારોને કરવો પડી રહ્યો છે. કેટલાક ઈસમો ભયનો માહોલ ફેલાવવા માટે પોલીસની નજરમાં ન આવે તે પ્રકારની ચોકસાઈ રાખીને અલગ અલગ ભાષામાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે. દર વર્ષે દિવાળી પહેલા પોસ્ટરો લગાવીને ભાવ વધારાની માગણી કરવામાં આવતી હોય છે પરંતુ આ અસમાજિક તત્વોએ આ વર્ષે અલગ રીત અપનાવી છે અને નવરાત્રી પહેલા એટલે કે દિવાળીના દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉડિયા ભાષામાં આ પોસ્ટરો લગાવીને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે અને આના જ કારણે કોઈ કર્મચારી કામ પર આવવા માટે તૈયાર નથી અને એટલા માટે જ અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભયનો માહોલ ફેલાવી રહેલા આ ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.








