Rajkot કલેક્ટર કચેરી અને Junagadh કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ હરકતમાં
ગુજરાતમાં ફરી એકવાર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવાનો સિલસિલો શરૂ થયો છે. આજે બપોરે

ગુજરાતમાં ફરી એકવાર ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવાનો સિલસિલો શરૂ થયો છે. આજે બપોરે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
રાજકોટ કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી (બપોરે ૧:૪૧ વાગ્યે)
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો મેઈલ મળતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે એસ.ઓ.જી (SOG), ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ હતી.
સઘન સર્ચ ઓપરેશન: કચેરીના તમામ રૂમ અને પરિસરની તપાસ કરવામાં આવી હતી. જોકે, અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ કોર્ટને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચુકી છે.
જૂનાગઢ જિલ્લા કોર્ટમાં અફડાતફડી (બપોરે ૨:૩૦ વાગ્યે)
રાજકોટની ઘટનાના થોડા જ સમય બાદ જૂનાગઢ જિલ્લા કોર્ટને પણ બપોરે ૨:૩૦ વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. ધમકી મળતા જ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાના ભાગરૂપે આખી કોર્ટને ખાલી કરાવી દેવામાં આવી હતી.
પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ કોર્ટના એક-એક ખૂણાની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ જોખમી વસ્તુ મળી નથી, પરંતુ સાવચેતીના પગલે ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
તપાસના ચક્રો ગતિમાન
બંને શહેરોમાં મળેલી ધમકીના ઈમેલ કયા આઈડી (Email ID) પરથી આવ્યા છે અને તેનો સ્ત્રોત શું છે તેની સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોખાર કે 'હોક્સ કોલ' (ખોટી ધમકી) હોવાનું જણાય છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.







