બનાસકાંઠા વિભાજનનો વિરોધ પહોંચ્યો સુરત, ધાનેરાને થરાદમાં રખાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી
ગુજરાત સરકારે જાહેર કરેલા જિલ્લા વિભાજનમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠ

ગુજરાત સરકારે જાહેર કરેલા જિલ્લા વિભાજનમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વિભાજનના પડધા સુરતમાં સંભળાઈ રહ્યાં છે. ધાનેરા તાલુકાને બનાસમાંથી કાઢી વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના રહેવાસીઓએ વિરોધ દર્શાવ્યો હતો.
ભૌગોલિક રીતે બનાસકાંઠા નજીક પડે
સુરત કલેક્ટર કચેરીએ આજે ધાનેરા નિવાસીઓ પહોંચ્યા હતાં. મૂળ ધાનેરાના પણ સુરતમાં વસવાટ કરતાં લોકો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતાં. તેઓએ માગ કરી કે ધાનેરાને બનાસમાં જ રાખવું જોઈએ. કારણ કે ધાનેરાની સાચી ઓળખ બનાસ જ છે. બનાસકાંઠા જિલ્લામાં તમામ સુવિધાઓ મળી રહે છે. ભૌગોલિક પરિસ્થિતિએ પણ બનાસકાંઠા જિલ્લા અમને નજીક પડે છે.
નિર્ણય પરત ન ખેંચાય તો આંદોલન
સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જ પડશે. જુદા જુદા બેનરો અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. ધાનેરાને બનાસમાં ફરી નહીં સમાવાય તો ગાંધીનગર સુધી ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.








