ગુજરાતમાંથી ગાંજો પકડાવાની એક જ દિવસમાં ત્રીજી ઘટના, જાણો ક્યાંથી મળ્યું નશાનું વાવેતર

ગુજરાતમાં કપાસ-એરંડાનું જેવું વાવેતર થાય છે તેમ હવે નશાકારક ગાંજાનું પણ વાવેતર ઠેર ઠેર જોવા મળતા પોલીસ પણ ચોંકી ગઇ છે. ગુજરાતમાંથી એક જ દિવસમાં ગાંજો પકડાવાની ત્રીજી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ બાદ હવે પંચમહાલમાંથી પણ ગાંજો ઝડપાયો છે.
ગુજરાતમાં ગાંજો પકડાવાની ત્રીજી ઘટના
પંચમહાલના શહેરા તાલુકાના નાડા ગામમાંથી ગાંજો ઝડપાયો છે. SOGની ટીમે 2.980 કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. SOG ટીમે 29 હજાર કિંમતનો ગાંજો કબ્જે સઇ ઝડપાયેલ ઇસમ સાથે શહેરા પોલીસ મથકમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર-જસદણમાંથી પણ પકડાયો ગાંજો
આ પહેલા સુરેન્દ્રનગરના ચુડાના જોબાળા ગામની કરમડ સીમમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ખેડૂતની આર્થિક પરિસ્થિતિ નબળી બની હોવાના પગલે ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.28 કિલો ગાંજા સાથે કૂલ 2.86 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રભુ કોળી નામના ખેડૂતની અટકાયત કરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ કથળતાં લીલા ગાંજાની ખેતી તરફ વળ્યા હોવાનો ઘાટ સર્જાયો છે. પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: VIDEO: કડીમાં ' કાકાની ધાક જબરી હોં! ' એક જ ફોનથી થઈ ગયું આ મોટું કામ
રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે જસદણના ખાંડા-હડમતીયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા કપાસના વાવેતરની સાથે ગાંજાના 30 જેટલા છોડ મળી આવ્યા છે. જસદણના ખાંડા હડમતીયા ગામના ખોડા રાઘવજી રોજસરા નામના વ્યક્તિએ પોતાની વાડીમાં 30 જેટલા ગાંજાના છોડ વાવ્યા હતા. વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ કરી જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

