મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નેતાઓના ઝભ્ભા પકડીને ચાલનારાઓના જ પત્તા કપાયા! આ કારણે પાર્ટીએ વેતરી નાખ્યાની ચર્ચા

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈને લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે.

નેતાઓના ઝભ્ભા પકડીને ચાલનારાઓના જ પત્તા કપાયા! આ કારણે પાર્ટીએ વેતરી નાખ્યાની ચર્ચા

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈને લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નવા માળખામાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વિશ્વકર્માની આ નવી ટીમમાં ભરતી થવા માટે ઘણા કાર્યકર્તાઓ જોર લગાવ્યું હતું પરંતુ તેમને સફળતા મળી નથી.

વિગતવાર જોઈએ તો, ઘણા નેતાઓને અપેક્ષા કરતાં પાર્ટીએ મોટું સ્થાન આપ્યું તો ઘણાના ઓરતા અધૂરા જ રહી ગયા. તો ઘણા નેતાઓ પહેલેથી જ આપડે સંગઠનમાં ફાઇનલ હોવાના ડીંગા હાકી રહ્યા હતા, તે તમામ ફોટોજીવી નેતાઓને પાર્ટીએ તેમનું સ્થાન બતાવી દીધું છે. 

તેમાં સૌથી પ્રથમ નામ કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ હિતેશ પટેલે પણ અથાગ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમને પણ પાર્ટીમાં સમાવવામાં આવ્યા નથી. અમદાવાદથી પ્રદીપસિંહ જાડેજાએ પણ સંગઠનમાં કોઈપણ જગ્યાએ સ્થાન મળે તેના માટે હાઈ કમાન્ડ સુધી પોતાની લાગણીઓ પહોંચાડી હતી. પરંતુ તેમને પણ સફળતા મળી નથી. તો એલિસ બ્રિજના પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહએ પણ મહામંત્રી માટે તનતોડ મહેનત કરી હતી. તેઓ જગદીશ પંચાલની નજીકના પણ માનવામાં આવે છે. પરંતુ તેમનો પણ ગજ વાગ્યો નહીં.

તો યુવા નેતાઓની વાત કરીએ તો આ સિવાય અન્ય ત્રણ નેતા જેને જગદીશ પંચાલ પ્રમુખ બન્યા બાદ તેના પ્રવાસોની જવાબદારી સોંપાઈ હતી. તેવા ધવલ દવે, ઋત્વિજ પટેલ, અને સંદીપ દેસાઈના નામનો સમાવેશ થાય છે. જેને પણ સંગઠનમાં ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી. એવું મનાય છે કે, સંદીપ દેસાઈ અલગ જૂથના નેતા હોવાથી તેમને કાપવામાં આવ્યા હોવાની શક્યતા જોવાઈ રહી છે. તો ઋત્વિજ પટેલના નામ પર પાર્ટીના જ કેટલાક નેતાઓએ પંચાલ સુધી રજૂઆતો પહોંચાડતા તેમના નામ પર પણ કાતર ફરી ગઈ છે. 

તો કડક ઝભ્ભા માટે જાણીતા, ડાયરાના શોખીન અને જેના નામની પત્રિકાઓ વાયરલ થઈ હતી તેવા ધવલ દવેને પણ કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. તેમને લઈને તો ભાજપમાં જ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, તેમને તો મહિનાઓ અગાઉથી પોતે મહામંત્રી નક્કી હોવાના ઢીંગા હતા. પરંતુ તેમના ઢીંગાઓનું સુરસુરીયું થઈ ગયું છે અને એક ચર્ચા એ પણ થઈ રહી છે કે, જગદીશ પંચાલના પ્રવાસ દરમિયાન કેટલીક જગ્યા ઉપર સ્થાનિક નેતા, ધારાસભ્ય, સાંસદ દ્વારા પંચાલના સ્વાગત માટે રજૂઆત કરાઈ હતી. પરંતુ પંચાલ કરતા વધારે પાવર બતાવી નેતાઓને તતડાવ્યા હતા, જેની રજૂઆતો પણ પાર્ટી સુધી પહોંચી હતી અને આ કારણે તેમને પાર્ટીએ વેતરી નાખ્યા છે. 

તો એ જ રીતે યુવા મોરચામાં પ્રમુખ માટે સી આર પાટીલ જેવા ગોગલ્સ, કડક ઝભ્ભો અને ડાયરી પેન માટે જાણીતા હાલના સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણીએ પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને પણ નવી ટીમમાં સ્થાન મળ્યું નથી. ભાજપમાં કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે, ગત ટર્મ દરમિયાન કરેલી કેટલીક ભૂલો નવા પ્રમુખની સતત આગળ પાછળ ફરવું તે તેના માટે નુકસાનદાયક સાબિત થયું. અને જેના કારણે તેમનું પત્તું પણ કપાયું. 

ઘણા નેતાઓને એવું હતું કે, એને પણ સંગઠનમાં સમાવવામાં આવશે અને તેના માટે થઈને કદાચ તેમણે નવા કડક લેંઘા  ઝભ્ભા સિવડાવ્યા હતા. પરંતુ હવે તે લેંઘા  ઝભ્ભા કોઈ કામના રહ્યા નથી. મીડિયા કન્વીનર પદે પૂર્વ સહ કન્વીનર જુબીન આશરાને પણ મીડિયા કન્વીનર થઈ જવું હતું અને તેના માટે તેમણે ખૂબ પ્રયત્ન પણ કર્યા હતા, પરંતુ જે રીતે અમિત શાહના કાર્યાલયને મિસ બ્રિફિંગ કરવું અને અમિત શાહના કાર્યક્રમમાં પણ પોતાનો અંગતહિત સાધવાનો પ્રયત્ન કરવો તે તેના માટે મુશ્કેલ ભર્યું રહ્યું. સાથે જ સતત જગદીશ પંચાલ નો ઝભ્ભો પકડીને ચાલવું તે પણ તેમના માટે મુશ્કેલ ભર્યું રહ્યું હતું. તો પ્રવક્તામાં ગોઠવવા માટે પણ ગત દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમિત શાહના નિવાસ્થાને હાજરી પુરાવી હતી. તો પણ તે નેતાઓ રહી ગયા. આમ અનેક નેતાઓએ સંગઠનમાં સ્થાન મેળવવા મહેનત તો બહુ કરી પરંતુ તેમની જ ભૂલો તેમને નળી અને તે નેતાઓના પત્તા કપાયા છે.

આ સમાચાર શેર કરો