મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્ય સરકારે આ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, જાણો પ્રતિ હેક્ટર કેટલા રૂપિયાની અપાશે સહાય?

રાજ્ય સરકારે આ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, જાણો પ્રતિ હેક્ટર કેટલા રૂપિયાની અપાશે સહાય?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાત સરકારે પાણીની અછત વચ્ચે મોટો નિર્ણય લીધો છે.  રાજ્યમાં આ વખતે ચોમાસું નબળું રહ્યા બાદ ઠેર ઠેરથી પાણીની તંગીના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આ વખતે 89 ટકા વરસાદ થયો છે. એવામાં ખાસ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ઓછો વરસાદ પડ્યો છે. એટલા માટે આ 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે.

પાક નુકસાની સામે સહાય અપાશે

આ સાથે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે સહાય આપવામાં આવશે. રાજ્ય સરકાર 8500 રૂપિયા પ્રતિ હેક્ટર અને 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે. ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતમાં જરૂર કરતાં ઓછો વરસાદ નોંધાયો છે અને ઠેર ઠેર પાણીની અછતના અહેવાલ સામે આવી રહ્યા છે. એમાંય ખાસ તો સૌરાષ્ટ્ર તરફ વધારે પડતી તકલીફ પડી રહી છે. સૌની યોજના દ્વારા પાણીનો સપ્લાય બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં પાણીનો સપ્લાય જ ખોરવાઈ ગયો છે. 

ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકારનું આશ્વાસન

બીજી બાજુ નદીઓ અને તળાવો સુકાવા માંડ્યા છે. ડેમમાં પાણીનું લેવલ ઘટવા લાગ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીનું લેવલ ઘટ્યું હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે આગામી ચોમાસા સુધી કેવી રીતે પાણીની વ્યવસ્થા કરવી તેને લઈને ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પશુઓ માટે જરૂરી ઘાસચારાની વ્યવસ્થા કરવાનું પણ સરકારે આશ્વાસન આપ્યું છે. ખાસ કરીને ખેડૂતોની તકલીફને ધ્યાને લઇને ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવાયા છે. 

સૌરાષ્ટ્રમાં ભારે તકલીફ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ નોંધાવાને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે માલધારી અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માલધારી સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી. અનેક પશુપાલકો હિજરત કરવા મજબૂર થયા હતા.

ઊંચા ભાવના કારણે ઘાસચારો ખરીદવો મુશ્કેલ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઓછા વરસાદના લીધે કુદરતી ઘાસ અને પાણી ખૂટી પડ્યા છે. બજારમાં ઘાસચારાના ભાવ ખૂબ જ ઊંચા હોવાથી દૈનિક કમાણી કરતા અને પશુપાલન પર નિર્ભર રહેતા પરિવારો માટે પોતાના મૂંગા પશુઓનું ભરણપોષણ કરવું અશક્ય બન્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે પશુધનને જીવિત રાખવા માટે કેટલાક માલધારીઓને પોતાના ઘરબાર છોડીને પશુઓ સાથે અન્યત્ર સ્થળાંતર (હિજરત) કરવાની ફરજ પડી રહી છે.

માલધારી સમાજ અને પશુપાલકોની શું હતી માગ?

•રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો અને માલધારીઓ માટે ત્વરિત વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
•મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા જરૂરિયાતમંદ પશુપાલકોને રાહત દરે પૂરતા પ્રમાણમાં ઘાસચારો (નીરણ) ઉપલબ્ધ કરાવવામાં આવે.
•અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે કેટલ કેમ્પ શરૂ કરીને પશુઓ માટે ઘાસચારો, પીવાનું પાણી અને પશુચિકિત્સાની (મેડિકલ) સુવિધાઓ પૂરી પાડવામાં આવે.
•પશુઓ માટે પાણીની તંગી ધરાવતા ગામડાઓમાં ટેન્કર સુવિધા સહિતની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે.

પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે તંત્ર દ્વારા નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો પશુધન વગર માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે.

આ સમાચાર શેર કરો