ગીર સોમનાથ: બહેનની છેડતી કરનાર યુવાનને સગીરે કારથી કચડ્યો, યુવતી અને કિશોરની પોલીસે કરી ધરપકડ
ગીર સોમનાથના તાલાલા વેરાવળ હાઉવે પર ચાર દિવસ પહેલા થયેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને મોટો ખુલાસો થય

ગીર સોમનાથના તાલાલા વેરાવળ હાઉવે પર ચાર દિવસ પહેલા થયેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં સમગ્ર ઘટના અકસ્માત નહીં પરંતુ હત્યાનું કાવતરૂ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં એક યુવતી સહિત બે સગીરની ધરપકડ કરવામાં આવી છે. મૃતક યુવક આરોપીની બહેનને હેરાન કરતો હોવાથી 15 દિવસ પહેલા હત્યાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જેમાં અન્ય એક યુવતીએ મૃતક સાથે દોસ્તી કરીને તેને રાત્રે મળવા બોલાવ્યો અને આરોપીએ હાઈવે પર જ બોલેરોથી ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ઘટનાને હિટ એન્ડ રનમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગીર સોમનાથના વેરાવળ તાલાલા રોડ પર રાત્રીના સમયે એક મોપેડ ચાલક સુરેશ નામના યુવકની લાશ મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે, શરૂઆતમાં હિટ એન્ડ રનની ઘટના હોવાનું જણાયુ હોવાથી અકસ્માતનો ગુનો નોંધાયો હતો. મૃતક યુવક ઉમરેઠી ગામનો હતો. જો કે, ઘટનાને લઈને સુરેશના પરિજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ પછી સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં ચોંકવનારો ખુલાસો થયો
સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ઘટના સ્થળથી નજીકના વિસ્તારોમાં પૂછપરછ કરવાની સાથે સીસીટીવી કેમરાની ચકાસતા એક શંકાસ્પદ બોલેરો કાર મળી આવી હતી. આ સાથે સીસીટીવીમાં એક યુવક દોડતો અને બાઇકમાં સવાર થતો જોવા મળ્યો હતો. બાદમાં પોલીસે બોલેરો કાર માલિક અને બાઈક ચાલકની તપાસ કરતા બાઈક પર સવાર બંને યુવકો ઉમરેઠી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને યુવકની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં આરોપીએ હત્યા કરી અકસ્માતમાં ખપાવવાની વાત સ્વીકારી હતી.
શું હતી આખી ઘટના?
સમગ્ર ઘટનાની વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, હત્યાને અંજામ આપનારા સગીર યુવકની બહેનના સુરેશ સાથે સંબંધ હતો. જેને લઈને અગાઉ પણ ઝઘડો અને ફરિયાદો થઈ હતી. જો કે, આ પછી આરોપીની બહેનના લગ્ન થઈ જાય છે, પરંતુ સુરેશ આરોપીની બહેનને પરેશાન કરતો હતો. જેથી રક્ષાબંધનના દિવસે આરોપીની બહેને સુરેશ હેરાન કરતો હોવાની જાણ કરી હતી. જેથી આરોપી સુરેશને પતાવી દેવા માટે અન્ય એક સગીર યુવકની મદદ લીધી હતી. જેમાં આરોપી સગીર માસ્ટર માઈન્ડ સૌપ્રથમ કોડીનારની યુવતીને સુરેશને ફોન કરીને તેનો કોન્ટેક્ટ કરાવે છે. ત્યારબાદ સુરેશ અને આ યુવતી સોશિયલ મીડિયામાં સતત સંપર્કમાં રહે છે. થોડા દિવસ પહેલા યુવતી સુરેશને તાલાલા મળવા બોલાવે છે, બીજી તરફ, આરોપી રોડ પર બોલેરો લઈને ઊભો રહે છે અને અન્ય એક સગીર યુવક પણ સુરેશની પાછળ બાઈક લઈને આવે છે. આ દરમિયાન હાઈવે સુમસામ દેખાતા આરોપીએ બોલેરો વડે સુરેશના મોપેડને ટક્કર મારી ફરાર થાય છે. આ પછી, બોલેરોને થોડે દૂર છોડી આરોપી સહિત તેનો દોસ્ત બાઈક પર ફરાર થઈ જાય છે.






