જીરાસોડા કાંડ: શિક્ષકે આ કામ કરવા મંગાવ્યું હતું સોડીયમ નાઈટ્રાઈટ, પછી 3 યુવાન પર કર્યો અખતરો અને...
નડિયાદ જવાહરનગર વિસ્તારમાં સોડાકાંડમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આ

નડિયાદ જવાહરનગર વિસ્તારમાં સોડાકાંડમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતક મુકબધિરની પડોશમાં રહેતો એક શિક્ષક હોવાનું ખુલ્યું છે. આત્મહત્યા કરવા ઈચ્છતા શિક્ષકે પોતાની આત્મહત્યા મૃત્યુમાં ખપાવી પરીવારને વીમાનો આર્થિક લાભ મળે તે હેતુથી ઓનલાઈન માધ્યમથી સોડીયમ નાઈટ્રાઈટ મંગાવ્યું હતું. જેનો અખતરો કરવા મુકબધિરને પીવડાવ્યું અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબીયત લથડી
નડિયાદમાં જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબીયત લથડી હતી અને ત્રણેયના ગણતરીના સમયમાં જ મોત નિપજ્યા હતા. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે જે તે સમયે અપમૃત્યુ અને એ બાદ ગત 27મી ફેબ્રુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ લોકલ ક્રાઈમ બ્રાંચ અને અન્ય તપાસકર્તા ટીમ દ્વારા હત્યાકાંડ પરથી પડદો ઉચક્યો છે અને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે.
જેમાં મૃતક મૂકબધિર કનુભાઈ ચૌહાણના પડોશી સરકારી શિક્ષક હરિકિશન મકવાણા દ્વારા આ સમગ્ર કાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી સરકારી શિક્ષકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યારા શિક્ષકે પોતાની આત્મહત્યા માટે એમેઝોન પ્લેટફોર્મ પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હોવાનું અને જેના અખતરા રૂપે જીરા સોડાની બોટલમાં ભેળવી પડોશી મૃતક મૂકબધિરને ટાર્ગેટ કર્યો હતો. જોકે આ મૂકબધિર કનુભાઈએ બોટલ તેમના અન્ય બે મિત્રોને પણ પીવડાવતા ત્રણેયના મોત નિપજ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 9 ફેબ્રુઆરીની મોડી સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે ત્રણ વ્યક્તિઓએ જીરા સોડા પીધા બાદ તબિયત લથડી હતી. યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, નડિયાદ), કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ) અને રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ) નામના વ્યક્તિઓની તબિયત લથડી આ ત્રણેય વ્યક્તિઓના ગણતરીના સમયમાં મૃત્યુ નિપજ્યાં હતા.
પત્નીએ સમજાવી પદાર્થનો નિકાલ કર્યો પણ હરિકિશને થોડો લઈ લીધો : જિલ્લા પોલીસ વડા
આ મામલે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, હત્યારા આરોપી હરિકિશન મકવાણા છેલ્લા 20 વર્ષથી શિક્ષકની નોકરી કરે છે. થોડા વર્ષો અગાઉ જ તેઓની બદલી ખેડા જિલ્લામાં થયેલી હતી અને હાલ સણાલી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. પત્ની પણ નોકરી કરે છે. હરિકિશન વિરુદ્ધમાં અગાઉ પાટણમાં કોઈ ગુનો દાખલ થયેલો હતો જે ગુનો હાલ કોર્ટમાં છે. જેને લઇને હરિકિશન પોતે સતત તણાવમાં રહેતા હતા અને આત્મહત્યાના વિચારો આવતા હતા. વળી આત્મહત્યા બાદ વિમા કંપનીના નિયમ મુજબ નાણાં મળે નહીં જેથી પરિવાર આર્થિક સંકડામણમાં આવે, તે વિચારીને હરિકિશને ગત 21 જાન્યુઆરી 2025ના રોજ ઓનલાઇન એમેઝોન પ્લેટફોર્મ પરથી આ સોડિયમ નાઇટ્રાઇટ 500 ગ્રામ મંગાવ્યું હતું. જોકે જેની જાણ આ હરિકિશનના પત્નીને થતા તેમણે આમ ન કરવા પોતાના પતિને સમજાવ્યું હતું અને આ પદાર્થનો નિકાલ કરી દીધો હતો. જોકે આ પહેલા છાની રીતે હરિકીશને સોડિયમ નાઇટ્રાઇટ પદાર્થ થોડો અલગ કાઢી દીધો હતો.
ત્રણના મૃત્યુ થયા ત્યારે આરોપી ત્યાં જ હાજર હતો
સોડાકાંડમાં ફિલ્મી સિનારીયો પણ સામે આવ્યો છે. આરોપી અગાઉ અમદાવાદના સરખેજમાં ભૂવા કાંડમાં સોડિયમ નાઈટ્રાઈટ અસરથી શું થાય છે તેની જાણકારી હતી. વધુમાં જે તે સમયે 3ના સોડા પીવાથી મોત થયા તે વખતે આ શિક્ષક હરિકિશન મકવાણા ત્યાં હાજર હતો અને કનુભાઈને હોસ્પિટલમાં પણ લઈને દોડયો હતો. તે બાદ સતત જાણવાના પ્રયાસમાં હતો કે, મૃતકના પીએમ રિપોર્ટમાં શું આવી રહ્યું છે.








