મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'અસલી ગુજરાતમાં નકલી મોડલે સરકારની પ્રતિષ્ઠા ખરડી', કૌભાંડ-કાંડોને લીધે આ વર્ષે બદનામ થયું રાજ્ય

વર્ષ 2024ની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, જ્યારે નવા વર્ષ 2025ના વધામણાં કર

'અસલી ગુજરાતમાં નકલી મોડલે સરકારની પ્રતિષ્ઠા ખરડી', કૌભાંડ-કાંડોને લીધે આ વર્ષે બદનામ થયું રાજ્ય

વર્ષ 2024ની વિદાયને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, જ્યારે નવા વર્ષ 2025ના વધામણાં કરવાં ગુજરાતીઓ બેતાબ બન્યાં છે. જોકે ગુજરાતમાં ભાજપ સરકાર માટે વર્ષ 2024 ભારે કષ્ટદાયી બની રહ્યું હતું. કેમકે સિદ્ધીઓની સરખામણીમાં કૌભાંડ-કાંડોને લીધે સરકારને ભારે બદનામી વ્હોરવી પડી હતી.

 TRP ગેમ કાંડ અને હરણી બોટ કાંડ

સ્થાનિક તંત્રની ઘોર  નિષ્ફળતાને લીધે સુરતમાં વર્ષ 2019માં તક્ષશિલાકાંડ થયો હતો, જેમાં નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતા. આ જ  પ્રમાણે વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાળજીને લીધે હરણી તળાવમાં માસૂમ ભુલકાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની શાહી સૂકાઈ ન હતી ત્યાં રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આનંદ માણવા ગયેલાં લોકોની મરણ ચીસો સંભળાઈ હતી.

ખ્યાતિ કાંડ

આ જ રાજકોટમાં હોસ્ટેલમાં ભાજપના નેતાઓએ યુવતીઓને શિકાર બનાવતાં આખોય મામલો ચગ્યો હતો. ખ્યાતિકાંડે તો ભગવાન સમાન ડોક્ટરો નાણાં કમાવવા માટે કેટલી હદે જઈ શકે તે વાત ઉઘાડી પડી હતી, સાથે સાથે આરોગ્ય વિભાગ પણ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. આ કાંડમાં કેટલાય નિર્દોષ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન રાજ્ય આરોગ્ય વિભાગમાં પોલંપોલ બહાર આવ્યું કે મજૂરીના બહાને યુવકોને નસબંધી કરી દેવામાં આવી હતી. આ કાંડને પગલે સરકારની ઘણી બદનામી થઈ હતી.

સુરતમાંથી બોગસ ડીગ્રી કાંડ

સુરતમાંથી બોગસ ડીગ્રીકાંડ બહાર આવ્યું હતું. બોગસ ડીગ્રી આધારે લોકોના જીવ સાથે ચેડાં કર્યા હતા. આ ઘટનાઓ વચ્ચે પાટીદાર નેતાના પુત્રની સંડોવણી સાથે બામણબોર-વાંકાનેર હાઈવે પરથી નકલી ટોલનાકું ઝડપાયું હતું.

2024ના કાંડ-કૌભાંડ

ખ્યાતિકાંડ
આયુષ્યમાન કાર્ડ કાંડ
હરણી કાંડ
TRP ગેમઝોન કાંડ
બોગસ ડીગ્રી કાંડ
આટકોટ છાત્રાલય રેપકાંડ
અમરેલી-વિરમગામ અંધાપાકાંડ
બીઝેડ પોન્ઝીકાંડ
દાહોદ-ઝઘડિયા રેપકાંડ 
નસબંધી કાંડ
સિરપકાંડ- નડિયાદ
વલસાડ જમીન કૌભાંડ
દાહોદ ખેતી જમીન કૌભાંડ
નકલી જજ-કોર્ટ કાંડ

ગુજરાતમાં નકલીની બોલબાલા

નકલી શાળા
નકલી સરકારી કચેરી
નકલી હોસ્પિટલ
નકલી કોર્ટ-આર્બિટ્રેટર
નકલી સીબીઆઈ
નકલી સીએમઓ અધિકારી
નકલી ઈડી અધિકારી
નકલી IAS  અધિકારી
નકલી NIA અધિકારી
નકલી સચિવાલય અધિકારી
નકલી કલેક્ટર
નકલી આર્મી કેપ્ટન
નકલી ખેડૂત

ગાંધીનગરમાંથી નકલી કોર્ટ સાથે નકલી જજ  ઝડપાયો

ગાંધીનગરમાંથી નકલી કોર્ટ સાથે નકલી જજ પણ પકડાયો હતો. દાહોદમાં તો નકલી સરકારી કચેરીને ખુદ સરકારે જ લાખો-કરોડોની ગ્રાન્ટ ફાળવી દીધી હતી.

નકલી અધિકારીઓ ઝડપાયા

નકલીની બોલબાલા વચ્ચે ગોંડલ સ્ટેટના નકલી રાજા પણ પકડાયાં હતાં. આ અરસામાં નકલી સીએમો, નકલી પીએમો, નકલી ઈડી ઓફિસર, નકલી સીબીઆઈ, નકલી એનાઈએ અધિકારી, નકલી આર્મીમેન, નકલી પોલીસ અધિકારી ઝડપાયાં હતા. ગુજરાતમાં શુદ્ધ ખાદ્યપદાર્થ મળી શકતા નથી.

આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલ: કોન્ટ્રાક્ટપ્રથા બની કૌભાંડપ્રથા, શોષણ અને ટેક્સ વસૂલીથી પ્રજા કંગાળ

નકલી સિમેન્ટ પણ પકડાઈ

ઘી, પનીર, દવા, દૂધ પણ નકલી મળી રહે છે. નકલી સિમેન્ટ પણ પકડાઈ છે. અસલી ગુજરાતમાં નકલી મોડેલે તો સરકારની પ્રતિષ્ઠાને ધૂળ ધાણી કરી દીધી હતી. આ કાંડોએ તો સરકારની વહીવટી તંત્ર પર કોઈ પક્કડ નથી, એટલું જ નહીં આ ઘટનાઓએ ગુજરાતમાં જાણે પોપાબાઈનું રાજ હોય તેવો અહેસાસ કરાવી દીધો હતો. 

ગુજરાતમાં દીકરી અસલામત

વડોદરામાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું જે ભાજપના એક કાર્યકરની સંડોવણી બહાર આવી હતી, જ્યારે દાહોદમાં RSS સાથે સંકળાયેલા આચાર્યએ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતાં. ઝઘડિયામાં નિર્ભયા કાંડ થયો હતો. આ તમામ ઘટનાઓએ ગુજરાતમાં દિકરી-મહિલા સલામત નથી તે વાતને પ્રસ્થાપિત કરી દીધી હતી. 

વિદેશમાં રજા માણી શિક્ષકોએ પગાર મેળવ્યો પણ સરકારને ગંધ સુદ્ધા ન આવી

ગુજરાતમાં સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પર ગાંધીનગર સ્થિત વિદ્યા સમિક્ષા કેન્દ્ર પરથી ઓનલાઈન નજર રાખવામાં આવે છે. લાખોના ખર્ચે નિર્માણ થયેલાં લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ વિદ્યા સમિક્ષા કેન્દ્ર હોવા છતાંય કેટલાંય શિક્ષકો ગુલ્લી મારવામાં સફળ રહ્યા હતાં. મોટાભાગના શિક્ષકો બારોબાર વિદેશના પ્રવાસે ઉપડ્યા હતાં. વિદેશમાં મજા માણતા રહ્યાંને પગાર મેળવતાં રહ્યા હતાં.

હાઈકોર્ટમાં સરકારની એફિડેવિટનો પણ અસ્વીકાર

ગુજરાતમાં ઘણાં એવા કિસ્સા બન્યાં છે, જેમાં હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે, ટ્રાફિકથી માંડીને રસ્તા પર રખડતા પશુઓનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે જમીનની બાબત હોય કે પછી અન્ય કોઈ મુદ્દો હો. સરતારે જે એફિડેવિટ ફાઈલ કરી છે તે પાકી કેટલાંય કિસ્સામાં અસ્વિકાર કરાયો છે. જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો