મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠકો મળવાના કારણો બાબતમાં નેતાઓનું મૌન

સમગ્ર દેશમાં અબ કી બાર 400 પારના નારા સાથે અને ગુજરાતમાં 26 બેઠકો પર ક્લીનસ્વીપ સાથે પાંચ પાંચ લાખન

લોકસભા ચૂંટણીમાં ભાજપને ઓછી બેઠકો મળવાના કારણો બાબતમાં નેતાઓનું મૌન

સમગ્ર દેશમાં અબ કી બાર 400 પારના નારા સાથે અને ગુજરાતમાં 26 બેઠકો પર ક્લીનસ્વીપ સાથે પાંચ પાંચ લાખની લીડની વાતો વચ્ચે ભાજપને 36.56 ટકા મતો મળવા સાથે માત્ર 240 બેઠકો મળી છે. NDA 400 પારને બદલે 300ની અંદર આવી ગઇ છે અને સૌરાષ્ટ્રમાં એક પણ બેઠક ઉપર પાંચ લાખની લીડ મળી નથી. આ અંગે ભાજપના નેતાઓનો સંપર્ક સાધતા ઓછી બેઠકો, ઓછી લીડ માટે કારણો અંગે બધાએ મૌન સેવ્યું છે.

ગત ટર્મ કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા અને હાલ દિલ્હી ગયેલા રાજકોટના નવા ચૂંટાયેલા સાંસદ પરશોત્તમ રૂપાલાએ ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાં ઓછી બેઠકો મળવાના કારણ અંગે પુછતા જણાવ્યું કે કંઇ કહી શકાય નહીં, તપાસ કરીએ અને અભ્યાસ થાય તો ખ્યાલ આવે.

જ્યારે ઇફકોના ચેરમેન, પૂર્વ સાંસદ દિલિપ સંઘાણીએ કહ્યું પરિણામ આશ્ચર્યજનક નથી પરંતુ અપેક્ષા કરતા ઓછું છે. અનેક ભવિષ્યવાણી થઇ હતી, એક્ઝીટ પોલ, સટ્ટા બજાર સહિત અનેકના પૂર્વાનુમાનો ખોટા પડ્યા છે. કારણ શું? તે અંગે કહ્યું- લોકોએ મત નથી દીધા પણ શું કામ નથી દીધા તે અંગે તેમણે કોઇ કારણો આપ્યા નહોતા. દિલિપ સંઘાણીએ કહ્યું કે, આ વખતે એક વાત એ બની છે કે કોઇએ પણ EVM ઉપર દોષનો ટોપલો ઢોળ્યો નથી!

અમરેલીમાં ત્રણ ટર્મ સાંસદ તરીકે ચૂંટાયેલા અને આ વખતે ટિકિટ નહોતી મળી તે નારણ કાછડીયાએ જણાવ્યું કે, 'ન જાણ્યુ જાણકી નાથે સવારે શું થવાનું છે, ધાર્યુ ધણીનું નથી થતું' તે કહેવત ઉચ્ચારીને કહ્યું- 400 પારની વાત તો ઉત્સાહ વધારવા માટે હતી, બેઠકોમાં વધઘટ તો થાય પરંતુ આખરે તો NDAની ત્રીજી વાર સરકાર બને છે, ત્રીજી વાર નરેન્દ્રભાઇ વડાપ્રધાન બને છે એ જ વાત મહત્ત્વની છે.

સૌરાષ્ટ્રમાં પાંચ લાખની લીડ નહીં આવવા માટે તેમણે કહ્યું- પહેલા મતદાન તો એટલું થવું જોઇએને? સાત-આઠ લાખ મતો પડ્યા હોય તેમાં પાંચ લાખની લીડ ક્યાંથી મળે.

આ સમાચાર શેર કરો