અમદાવાદમાં સરકારી આવાસના મકાન બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ, જાણો AMCની તપાસમાં શું મળ્યું
પોતાના ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, જો કે, આ સપનું પુરુ કરવાની હોડમાં અનેક વાર ગરીબો છેતરાઈ પણ

પોતાના ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે, જો કે, આ સપનું પુરુ કરવાની હોડમાં અનેક વાર ગરીબો છેતરાઈ પણ જાય છે. અમદાવાદ શહેરમાંથી આ જ પ્રકારનું એક કૌભાંડ સામે આવ્યું છેે જેમાં સરકારી આવાસ યોજનામાં કેટલાક મકાન બારોબાર વેચી દેવાનો મામલો સામે આવ્યો છે.
364 મકાનો બારોબાર ગરીબોને વેચવાના ઈરાદે મકાન દીઠ 50 હજાર ટોકન લેતા
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં AMC દ્વારા થોડા સમય પહેલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 1736 આવાસ પૈકી 1372 આવાસ યોજના લાભાર્થીઓને ફાળવી તેમને પઝેશન લેટર પણ AMC દ્વારા આપી દેવાયા છે. બાકી રહેલા 364 આવાસનાં મકાનો બારોબાર ગરીબોને વેચી નાખવાનાં ઈરાદે 3 શખ્સોએ મકાન દીઠ 50 હજાર રૂપિયા ટોકન લઈ પઝેશન લેટર આપી દીધા હતા. જો કે, કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને બોગસ સહિ વાળો પઝેશન લેટર અને બનાવટી દસ્તાવેજ હાથે લાગ્યા હતા, જેની તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે.
ટોકનના પૈસાની કોર્પોરેશન જેવી રસીદ પણ આપતો
આ મામલે સોલા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ 3 આરોપીઓ પૈકી વિપુલ મગીયા નામનાં એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી મકાનની જરૂરિયાત ધરાવતા લોકોને શોધતો અને 6.50 લાખ રૂપિયામાં મકાન અપાવવાનું કહીને ટોકન પેટે 50 હજાર રૂપિયા લેતો, જે પૈસાની કોર્પોરેશન જેવી રસીદ પણ આપતો અને બોગસ પઝેશન લેટર બનાવી આપી બાદમાં બાકીનાં પૈસા લેતો હતો.
AMC ઓફિસરે તપાસ કરતાં 21 બોગસ પઝેશન લેટર મળી આવ્યા
આ રીતે તેણે અત્યાર સુધીમાં 21 બોગસ પઝેશન લેટર બનાવીને ભોગ બનનારાઓ સાથે ઠગાઈ આચરી હોવાની હકિકત સામે આવી છે. AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને બોગસ ડોક્યુમેન્ટ મળતા ત્યાં તપાસ કરતા મકાનમાં તાળુ જોવા મળ્યું હતું. મકાન લોહાર ધનરાજને અપાયેલા હોવાનાં પુરાવા સિક્યુરીટી ગાર્ડે આપતા એક બે નહી પરંતુ 21 બોગસ પઝેશન લેટર મળી આવ્યા હતા.
ગેંગના સભ્યોને આવાસના ખાલી મકાન અંગે કઈ રીતે જાણ થતી?
ઝડપાયેલા આરોપીની તપાસ કરતા તેની સાથે આ ગેંગમાં સૈયદ અને શુક્લા નામનો વ્યક્તિ સામે હોવાનો ખુલાસો થયો છે. ઝડપાયેલો વિપુલ મગીયા પોતે વિમા એજન્ટ છે જેથી તેના અનેક લોકો સાથે પરિચય હોવાથી તે મકાન ખરીદનાર ગ્રાહક લઈ આવતો હતો અને તેઓની પાસેથી 50 હજાર રૂપિયા મેળવતો હતો. જે બાદ સૈયદ અને શુક્લા નામના આરોપી પૈસા આપનાર વ્યક્તિના નામનું પઝેશન લેટર, મકાન ફાળવણી પત્ર અને રૂપિયા મળ્યા હોય તેવી કોર્પોરેશનના બનાવટી સહી સિક્કાવાળી રસીદ આપતો હતો. જો કે, આ ગેંગના આરોપીઓને આવાસ યોજનાની સ્કીમમાં કયા મકાનો ખાલી છે તે અંગે જાણ કઈ રીતે થતી હતી, કોર્પોરેશનનો કોઈ કર્મચારી આરોપીઓ સાથે સામેલ છે કે કેમ તે અંગે અન્ય આરોપીઓ ઝડપાયા બાદ ખુલાસા થઈ શકે છે.






