ક્ષત્રિય આંદોલનનો રોષ ઠારવા પ્રદેશ નેતાગીરીનો ટૂંકો પડ્યો પનો, જાણો શું છે ભાજપનો છેલ્લો વિકલ્પ?
પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી ભાજપને હવે ભારે પડી રહી

પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી ભાજપને હવે ભારે પડી રહી છે કેમકે, ભાજપના ક્ષત્રિય નેતાઓની કાકલૂદી છતાંય આંદોલન થાળે પડે તેમ નથી. ગ્રામ્ય સ્તરે વિરોધ વંટોળ યથાવત રહ્યો છે.
આજે ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જાહેરસભામાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન ન કરે તેનો ભાજપને ડર સતાવી રહ્યો છે. ક્ષત્રિય આંદોલનને ઠારવામાં ભાજપનો પનો ટૂંકો પડયો છે. હવે ભાજપ માટે નરેન્દ્ર મોદી એક માત્ર સહારો છે.
ક્ષત્રિયોનો રોષ ઠારવા માટે વડાપ્રધાન મોદી ઈમોશનલ અપીલ કરે તેવા સંકેત છે. પ્રદેશ ભાજપના નેતાઓને ય આશા છે કે, નરેન્દ્ર મોદીની અપીલ બાદ ક્ષત્રિયોના ગુસ્સોનો આફરો શાંત થઇ જશે. બીજી તરફ, ભાજપ અને સરકારને ડર એ છે કે, જો મોદીની સભામાં ક્ષત્રિયો વિરોધ કરે તો ભાજપની રાજકીય ઇમેજને ધક્કો પહોચી શકે છે.
ભાજપને એવો ભય સતાવી રહ્યો છે કે, લોકસભાની ચૂંટણી પછી આ સ્થિતી રહી તો ભાજપને ક્ષત્રિય મતદારો ગુમાવવા પડે તેમ છે. બીજી તરફ, મહિલા સ્વમાનની લડાઇ લડતા ક્ષત્રિયો કોઇપણ ભોગે આ વખતે ભાજપને મતના શસ્ત્રથી બદલો લેવાની મૂડમાં છે.






