Rajula news: 25 દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ
રાજુલા શહેરમાં છેલ્લા 20 થી 25 દિવસથી ગુમ થયેલા એક વ્યક્તિની હત્યા થઈ હોવાનો સનસનાટીપૂર્ણ ખુલ

રાજુલા શહેરમાં છેલ્લા 20 થી 25 દિવસથી ગુમ થયેલા એક વ્યક્તિની હત્યા થઈ હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. રાજુલા પોલીસે આ હત્યાનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે અને આરોપીને દબોચી લીધો છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ આરોપીની પત્ની સાથેના આડા સંબંધ હોવાનું બહાર આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા છેલ્લા 20-25 દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન લાલજીભાઈ સભાડીયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
રાજુલા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી
ફરિયાદના આધારે રાજુલા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ-અલગ મુદાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરતા રાજદીપસિહ મજબુતસિહ રાઠોડ નામના શખ્સ પર શંકા ગઈ હતી. પોલીસે રાજદીપસિહને શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી.પોલીસની આકરી પૂછપરછ દરમિયાન રાજદીપસિહ ભાંગી પડ્યો હતો અને તેણે જ સુરેશભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી.
આરોપીએ કબૂલ્યું હતું કે, મૃતક સુરેશભાઈને તેની પત્ની સાથે આડા સંબંધ હતા, જેની અદાવત રાખીને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.રાજુલા પોલીસે ગુમશુદગીના કેસને ગણતરીના દિવસોમાં જ ઉકેલી હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. હાલમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





