ગુજરાતમાં પણ જોવા મળી ભારત બંધની અસર; આદિવાસી વિસ્તારો સંપૂર્ણ બંધ, સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી
સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિર

સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરૂદ્ધ દલિત-આદિવાસી સંગઠનોએ 14 કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.
ડાંગમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ
ભારત બંધના એલાન બાદ 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે કેટલીક દુકાનો બંધ રહેવા સાથે કેટલીક દુકાનો ખુલ્લી રહેતા બંધની નહિવત અસર જોવા મળી હતી. ગિરિમથક સાપુતારા પ્રવાશન ઉદ્યોગને કારણે લારી ગલ્લા- હોટલો ખુલ્લી રહી હતી.
સાપુતારાના સરહદી વિસ્તારમાં CPIM દ્વારા રસ્તા રોકો ચક્કાજામને પગલે ગુજરાત એસટીની આંતરરાજ્ય બસ સેવા ઠપ્પ થઇ હતી.ભાવનગર,અમરેલી, રાજકોટ, મહેસાણા સહિત લાંબા અંતરની બસો અને પ્રવાસીઓનો સાપુતારા બસ સ્ટેન્ડમાં ખડકલો જોવા મળ્યો હતો. બસ ઠપ્પ થવાને કારણે અસંખ્ય મુસાફરો અટવાયા હતા.
અરવલ્લીમાં ભિલોડા સજ્જડ બંધ
અરવલ્લીમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી. ભિલોડા સજ્જડ બંધ રહ્યું હતું. વહેલી સવારથી જ વેપારીઓ બંધમાં જોડાયા હતા. આદિવાસી સમાજ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ભારત બંધના ડીસામાં પણ પડઘા જોવા મળ્યા
આજે ભારત બંધ એલાનના ડીસામાં પણ પડઘા જોવા મળ્યા હતા. ડીસામાં દલિત સમાજના લોકોએ બાબા આંબેડકર સ્ટેચ્યુ નજીક પ્રદર્શન કર્યું હતું. ડીસા દક્ષિણ પોલીસ પ્રદર્શન સ્થળે પહોંચી હતી અને પોલીસે પ્રદર્શન કરનારા કાર્યકરોની અટકાયત કરી હતી.
ઇકબાલગઢ બજાર સજ્જડ બંધ
બનાસકાંઠામાં પણ અનેક જગ્યાએ ભારત બંધની અસર જોવા મળી હતી. ઇકબાલગઢ બજાર સજ્જડ બંધ રહ્યું હતું. વહેલી સવારથી જ વેપારીઓએ દુકાનો બંધ રાખીને બંધને સમર્થન આપ્યું હતું.
દાંતા તાલુકામાં પણ બંધની અસર
બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ બંધની અસર જોવા મળી હતી. હડાદ ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું. બીરસા મુંડા ગ્રુપ અને હડાદ વેપારી એસોસિએશને બંધને સમર્થન આપ્યું હતું. આદિવાસી વિસ્તાર ધરાવતા ગામોમાં બંધની અસર જોવા મળી હતી.
સુરતના ઉમરપાડામાં પણ ભારત બંધને સંપૂર્ણ પ્રતિસાદ
ભારત બંધનું સુરતના ઉમરપાડા તાલુકામાં પણ સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણ બંધમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. મહુવા, માંડવી, માંગરોળ તાલુકામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ સાપડ્યો હતો. હાલ જિલ્લામાં અનેક વિસ્તારમાં બંધમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.
અમદાવાદ ગ્રામ્યમાં પણ ભારત બંધની અસર
અમદાવાદ ગ્રામ્યના બાવળા-ધોળકા-સાણંદ તાલુકામાં પણ એસટી એસસી સમાજના સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. વહેલી સવારથી જ ધોળકા-બાવળા-સાણંદ સહિતના વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી હતી. ધોળકામાં વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન અને ટેકો આપીને સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.ધોળકાના બજારોમાં કલિકુંડ, પાશ્વનાથ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીનમે ભારત બંધને સમર્થન આપ્યું હતું.
દેડિયાપાડા-સાગબારા જડબેસલાક બંધ
દેડિયાપાડા-સાગબારા ભારત બંધના સમર્થનમાં જડબેસલાક બંધ રહ્યાં હતા. ભારત બંધને પગલે દેડિયાપાડા, સાગબારા અને વેપારી મથક સેલંબા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે, શાળા-કોલેજ-સરકારી ઓફિસ રાબેતા મુજબ ચાલુ રહી હતી.
સુરેન્દ્રનગરમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ
સુરેન્દ્રનગરમાં અનુસૂચિત સમાજના લોકોએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. સુરેન્દ્રનગરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં 60 ફૂટથી અજરામર ટાવર સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે જોડાયા હતા. રેલીમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકવામાં આવી
સુરેન્દ્રનગરમાં ગણપતિ ફાસ્ટર વિસ્તારની મહિલાઓએ ટ્રેન રોકી હતી. સુરેન્દ્રનગરમાં મહારેલી બાદ ટ્રેન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં મહિલાઓ રેલવે ટ્રેક ઉપર બેસી ગઇ હતી. ટ્રેન રોકવામાં આવતા પોલીસ, રેલવે વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓને ટ્રેક પરથી ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
છોટા ઉદેપુરના નસવાડીમાં પણ ભારત બંધની જોવા મળી અસર
છોટા ઉદેપુરના નસવાડીમાં ભારત બંધની અસર જોવા મળી હતી. વેપારીઓએ દુકાનો બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું.છોટા ઉદેપુરના નસવાડીમાં વેપારીઓ દ્વારા બંધ રાખીને ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. નસવાડીમાં આસપાસના કેટલાક ગામના લોકો ખરીદી કરવા માટે આવે છે પણ એક પણ દુકાન ખુલ્લી નથી. વેપારીઓએ તમામ બજાર બંધ રાખ્યા છે. ખરીદી કરવા માટે આવેલા લોકો દુકાનો બંધ હોવાને કારણે પરત ફર્યા હતા. બોડેલીમાં 80 ટકા બજારો બંધ હતા પણ 20 ટકા બજારો ખુલ્લા રહેતા આદિવાસી સમાજના લોકો બજાર બંધ કરવા માટે નીકળ્યા હતા.ક્વાંટમાં પણ વેપારીઓએ બજાર બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું.
મોરા ગામમાં બજાર સજ્જડ બંધ જોવા મળ્યું
પંચમહાલના મોરવાહડફ તાલુકાના મોરા ગામમાં પણ ભારત બંધના એલાનની અસર જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં સમગ્ર મોરા ગામના વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન આપી પોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખી હતી. પરિણામે બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
પોલીસે કેટલાક કાર્યકર્તાઓની કરી અટકાયત
ભારત બંધના એલાનનો ભાવનગર શહેર અને જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ભાવનગર શહેરમાં આજે દલિત સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ રેલી યોજી દુકાનો-બજારો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. જોકે પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે ડભોઇ નગરના માર્ગો પર રેલી નીકળી
અનામત વર્ગીકરણનો ડભોઇ નગરમાં ભારે વિરોધ જોવા મળ્યો...મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના સમુદાયે રેલી કાઢી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયને વખોડી, આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે ડભોઇ નગરના માર્ગો પર રેલી નીકળી હતી. તો અનામત વર્ગીકરણના મુદ્દે ડભોઇ નગર બંધના એલાનના કારણે બજારો બંધ જોવા મળ્યા હતા.
દાહોદમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો
દાહોદમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. SC-ST સંગઠનોએ રેલી યોજી વિરોધ કર્યો હતો. રેલીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ સમર્થન આપ્યું હતું. શહેરમાં લોકોને બંધ પાળવા અપીલ કરવામાં આવી હતી. શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.








