નડિયાદ: સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી કરનાર આંત્રોલીના શખ્સને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ
સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવાના કેસમાં

સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવવાના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખતકેદની સજા તેમજ રૂ. ૩૨ હજારનો દંડ કરવા હુકમ કર્યો છે. સગીરાને વળતર પેટે દંડમાંથી ૩૦ હજાર અને સરકારના ઠરાવ મુજબ ૫ લાખ મળી કુલ રૂા. ૫.૩૦ લાખ પણ ચૂકવવા આદેશ કરાયો છે.
સગીરા ઘરે એકલી હતી ત્યારે નરાધમે આચર્યું કૃત્ય
આરોપી સંજય રાઠોડ (રહે. આંત્રોલી, તા. કપડવંજ)એ તા. ૧૮/૦૫/૨૦૨૩ના નવેક માસ પહેલા સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, સગીરા ઘરે એકલી હતી ત્યારે તેનો લાભ લઈને આરોપીએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ ભોગ બનનારને આ વિષે કોઈને કઈ કહીશ તો બદનામ કરવાની ધમકી આપેલી હતી.
મારી નાખવાની ધમકી આપીને વાંરવાર આચર્યું દુષ્કર્મ
ધમકી આપીને આરોપીએ સગીરા પર વાંરવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. પીડિતાએ સમગ્ર બાબતની પરિવારને જાણ કરી હતી. પરિવારે આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે નરાધમ સંજય રાઠોડ સામે વિવિધ કલમો મુજબનો ગુનો નોંધ્યો
પોલીસે નરાધમ સંજય રાઠોડ સામે વિવિધ કલમો મુજબનો ગુનો નોંધ્યો હતો. ગુનો નોઁધીને આરોપીની ધરપકડ કરી હતી. પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જ શીટ રજૂ કરી હતી. આ કેસ નડિઆદના સ્પે. પોક્સો જજ એસ. પી. રાહતકરની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલની દલીલો, ૧૦ સાહેદો તથા ૨૮ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી સેશન્સ જજે આરોપીને ઇ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન) મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૩૦,૦૦૦નો દંડ, દંડ ના ભરે તો વધુ ૫ માસની સાદી કેદની સજા, ઈ.પી.કો. કલમ ૫૦૬(૨) મુજબના ગુનામાં ૨ વર્ષની સખત કેદની સજા તથા ૨,૦૦૦નો દંડ, દંડ ના ભરે તો વધુ ૧૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.
દંડની કુલ રકમમાંથી ભોગ બનનારને રૂ.૩૦,૦૦૦ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલો છે. આ ઉપરાંત ભોગ બનનારને સરકારના ઠરાવ મુજબ રૂ. ૫,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવાનો પણ આદેશ કરવામાં આવેલો છે.








