મહુડી મંદિર મામલો: 'આ ચેરિટી કમિશનરની મેટર છે, એટલે ત્યાં જાઓ',કોર્ટે જાહેર હિતની અરજી ફગાવી
સુપ્રસિધ્ધ યાત્રાધામ મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ ક

સુપ્રસિધ્ધ યાત્રાધામ મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા ઉચાપતના ગંભીર આક્ષેપો કરતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અરજદારપક્ષને આ કેસમાં કોઇપણ પ્રકારની રાહત આપવાનો કે કેસની સુનાવણી કે દરમ્યાનગીરી કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.
'આ ચેરિટી કમિશનરની મેટર છે, એટલે તમે ત્યાં જાઓ'
હાઈકોર્ટે અરજદારપક્ષને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ ચેરિટી કમિશનરની મેટર છે, એટલે તમે ત્યાં જાઓ.' એમ કહી અરજદારને આ મુદ્દાઓ ચેરિટી કમિશનર સમક્ષ જ ઉઠાવવા અને રજૂઆત કરવા નિર્દેશ કરી પીઆઈએલનો નિકાલ કર્યો હતો.
અરજદારપક્ષ તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ચેરિટી કમિશનર સમક્ષ આ જ મુદ્દાઓ પર અલગ-અલગ ત્રણ અરજીઓ (કેસ) પેન્ડીંગ છે પરંતુ ત્યાં કોઈ નિર્ણય નહી આવતાં અરજદાર હાઇકોર્ટમાં આવ્યા છે, તેથી હાઈકોર્ટે જણાવ્યું કે, જો આ કેસો ચેરિટી કમિશનર સમક્ષ પેન્ડીંગ હોય તો ચેરિટી કમિશનર કચેરીને સમાંતર હાઇકોર્ટ આ જ મુદ્દાઓ પર સાથે સુનાવણી ના કરી શકે.
મંદિરમાં ચાલતી ગેરરીતિઓ ઉજાગર કરવા પીઆઇએલ દાખલ કરી
અરજદાર જયેશ બાબુલાલ મહેતા તરફથી કરાયેલી પીઆઈએલમાં આક્ષેપભરી રજૂઆત કરાઈ હતી કે, ગાંધીનગર જિલ્લામાં આવેલ મહુડી ખાતેનું શ્રી ઘંટાકર્ણ મહાવીરનું જૈન મંદિર 100 વર્ષ કરતાં પણ પ્રાચીન અને તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને લઈ દુનિયાભરમાં પ્રસિધ્ધ છે.
એક જૈન નાગરિક હોવાના નાતે મંદિરમાં ચાલતી ગેરરીતિઓ ઉજાગર કરવાની તેમને ફરજ લાગતાં આ પીઆઇએલ દાખલ કરાઈ છે. હાલની કહેવાતી ગેરકાયદે મેનેજમેન્ટ કમીટીના સભ્યો ભૂપેન્દ્રભાઈ વોરા અને કમલેશભાઈ મહેતા દ્વારા 130 કિલો સોનુ ગાયબ અને રૂ. 14 કરોડથી વધુની નાણાંકીય ઉચાપત કરાઈ હોવાના ગંભીર આક્ષેપ પિટિશનમાં કરાયા હતા.
અરજદાર દ્વારા આ માંગ કરવામાં આવી
અરજદાર દ્વારા માંગ કરાઈ કે, હાલની મેનેજમેન્ટ કમીટી અને તેના સભ્યો વિરૂધ્ધ કરોડોની નાણાંકીય ઉચાપત અને ગેરરીતિઓના ગંભીર આરોપો હોઈ રાજય સરકાર દ્વારા એક વિશેષ કમીટી રચાવી જોઈએ અને ચેરિટી કમિશનરે પણ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ. ખાસ કરીને 2012 થી લઈ 2024 સુધીના ઓડિટ અને એકાઉન્ટના હિસાબો તપાસી તેને ફાઈનલ રિપોર્ટ સરકારે પબ્લીક ડોમેનમાં જાહેર કરવો જોઈએ. મંદિરનું બંધારણ પણ પબ્લીક ટ્રસ્ટ રેકર્ડ(પીટીઆર) મુજબ નહી હોઈ કાયદેસર, યોગ્ય અને વાજબી બંધારણની રચના પણ થવી જોઈએ.
જાહેરહિતની રિટ અરજીમાં વર્ષ 2012થી લઈ 2024ના વર્ષ સુધીના ઓડિટ-હિસાબોની તપાસ કરાવવા અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ઉચાપત પ્રકરણ મામલે વિશેષ કમીટી રચી તપાસ કરાવવા દાદ માંગવામાં આવી હતી. જો કે, અરજદારની પીઆઈએલ પ્રાથમિક સુનાવણીના તબક્કે જ હાઈકોર્ટે નકારી કાઢી હતી.








