ગુજરાતમાં બનશે દેશનો પ્રથમ અવરોધ-મુક્ત ટોલ પ્લાઝા; ટ્રાફિક જામ વિના ઝડપી મુસાફરી કરી શકાશે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેટ (IHMCL)એ

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેટ (IHMCL)એ ICICI બેન્ક સાથે એક સમજૂતિ કરી છે, જેની હેઠળ ગુજરાતના NH-48 પર ચોર્યાસી ટોલ પ્લાઝામાં દેશનો પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો (MLFF) ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ભારતનો પ્રથમ એવી ટોલ સિસ્ટમ હશે જે કોઈપણ અવરોધ વિના કરવામાં આવશે.
NHAIના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક કરાર નવી દિલ્હીમાં NHAI મુખ્યાલય ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો, જ્યાં NHAIના ચેરમેન સંતોષ કુમાર યાદવ અને NHAI, IHMCL અને ICICI બેંકના અધિકારીઓ હાજર હતા. આ પગલું દેશમાં અવરોધ-મુક્ત ટોલિંગ તરફ એક મોટું પરિવર્તન છે, જ્યાં FASTag દ્વારા રોકાયા વિના ટોલ વસૂલવામાં આવશે. ગુજરાતમાં ચોર્યાસી ટોલ પ્લાઝા ભારતનો પ્રથમ અવરોધ-મુક્ત ટોલ પ્લાઝા બનશે. આ સાથે, હરિયાણામાં NH-44 પર ઘરૌંડા ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ લાગુ કરવા માટે ICICI બેંક સાથે કરાર કરવામાં આવ્યો છે.
25 ટોલ પ્લાઝા પર લાગશે આ સિસ્ટમ
NHAIની યોજના છે કે નાણાકીય વર્ષ 2025-26માં 25 ટોલ પ્લાઝા પર આ MLFF સિસ્ટમ લાગુ કરવામાં આવશે, તેના માટે યોગ્ય ટોલ પ્લાઝા પસંદ કરવામાં આવી રહ્યાં છે. NHAIના ચેરમેન સંતોષ કુમાર યાદવે કહ્યું કે આ સમજૂતિ ભારતમાં ટોલિંગ વ્યવસ્થાના આધુનિકીકરણની દિશામાં એક મોટું પગલું છે. ટેકનિકલ ઉપયોગથી આ સિસ્ટમ ટોલ વસુલીને આસાન, પારદર્શી અને ઉપયોગી બનાવશે.આ આખા દેશમાં લાગુ કરવા માટે રસ્તો ખોલશે.
MLFF શું છે?
મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ એક એવી ટોલ સિસ્ટમ છે જેમાં વાહનોને રોકવાની જરૂર નથી. તેમાં ઉચ્ચ-પ્રદર્શન RFID રીડર્સ અને ANPR કેમેરા છે, જે FASTag અને વાહનના નોંધણી નંબર વાંચીને આપમેળે ટોલ કાપે છે. આનાથી વાહનો રોકાયા વિના પસાર થઈ શકશે, જેનાથી ટ્રાફિક જામ અને મુસાફરીનો સમય ઓછો થશે. ઇંધણની બચત થશે અને પ્રદૂષણ ઘટશે. ઉપરાંત, આનાથી ટોલ વસૂલાતમાં પારદર્શિતા વધશે અને ભારતનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક વધુ સ્માર્ટ, ઝડપી અને આધુનિક બનશે.








