સુરતમાં સ્વામી આત્માનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાના શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે
સુરતમાં આજથી 100 વર્ષ પહેલાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીએ નાના વરાછામાં શરૂ કરેલી

સુરતમાં આજથી 100 વર્ષ પહેલાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીએ નાના વરાછામાં શરૂ કરેલી શિક્ષણ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. આ શિક્ષણ સંસ્થા એટલે કે શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સુરતને 100 વર્ષ પુરા થતાં ટ્રસ્ટી મંડળ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે.
શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાના પ્રમુખ બંકિમભાઈ આર. ઠાકરે જણાવ્યું હતું કે, સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા તા. ૭ મી મે ૧૯૨૪ ના રોજ સુરત ખાતે શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનો મુળ હેતું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સમાજની સેવા કરવાનો હતો. અમને આનંદ છે કે, 100 વર્ષ પછી પણ અમારી સંસ્થા દ્વારા સુરતના આંગણે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે.
હાલમાં તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભા દ્વારા સુરત રેલ્વે સ્ટેશન સામે 75 વર્ષ થી ઓ. હી. નાઝર આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે. જેમાં આયુર્વેદ પધ્ધતિથી વિવિધ રોગોનું નિદાન અને સારવાર રાહત દરે કરવામાં આવે છે. સાથો સાથ પંચકર્મ, ફિઝીયો થેરાપી સેન્ટરના માધ્યમથી સેવા કરવામાં આવે છે.
તેમજ વરાછા રોડ કાપોદ્રા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિધા સંકુલમાં બાળ ભવન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ વિભાગમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ, બીબીએ, બીસીએ, એમએસસી આઇ ટી અને એન્જિનિયરિંગ વિભાગના ડિગ્રી અને ડિપ્લોમાના વિવિઘ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ એક જ કેમ્પસમાં 14 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંગે વિગતો આપતા શતાબ્દી મહોત્સવના સહ કન્વીનર ડો. મુકેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા હાલમાં શાળા કોલેજના અલગ અલગ 14 વિભાગો ચલાવવામાં આવે છે તેને કૂલ 6 વિભાગમાં વહેંચણી કરી તેના દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ, વાલીઓ માટે શૈક્ષણિક અને આરોગ્ય સેવાને લગતા 100 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.








