મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર : થાનગઢ સરકારી હોસ્પિટલમાં મહિલાના મોત મામલે ડોક્ટર અને સ્ટાફ વિરુદ્ધ થશે કાર્યવાહી

Surendranagar News : એક દિવસ પહેલા 23 જાન્યુઆરીના દિવસે સુરેન્દ્રનગર જિલ્લ

સુરેન્દ્રનગર : થાનગઢ સરકારી હોસ્પિટલમાં મહિલાના મોત મામલે ડોક્ટર અને સ્ટાફ વિરુદ્ધ થશે કાર્યવાહી

Surendranagar News : એક દિવસ પહેલા 23 જાન્યુઆરીના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલી થાનગઢ  સરકારી હોસ્પિટલમાં 25 વર્ષીય મહિલાનું નસબંધીના ઓપરેશન દરમિયાન મોત થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપો લગાવી કર્યો હતો અને ડોક્ટર પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. આ ઘટનાના એક દિવસ બાદ આજે પોલીસે બેદરકારી દાખવનાર ડોક્ટર અને સ્ટાફ વિરુદ્ધ પગલાં ભરવાની ખાત્રી આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અંતિમવિધિ કરી છે.  પોલીસે હાલ ડોક્ટર સામે ફરજમાં બેદરકારીનો ગુનો નોંધી પીએમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

નસબંધીના ઓપરેશન બાદ 25 વર્ષીય મહિલાનું મોત

થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીત મહિલા કંચનબેન પરમારને નસબંધીનું ઓપરેશન કરાવવા થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે સાંજના સમયે લાવ્યા હતા. જ્યાં ધ્રાંગધ્રાથી હોસ્પિટલમાં નિયમીત આવતા ડો.નિર્મલ સોલંકીએ મહિલાની તપાસ કરી ઓપરેશન કર્યું હતું. પરંતુ ઓપરેશન બાદ અચાનક મહિલાની તબીયત લથડતા મોત નીપજ્યું હતું. 

આ મામલે મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન દરમિયાન અન્ય નસ કાપી નાંખતા મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.   આ મામલે પોલીસે મહિલાના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ ખસેડ્યો છે. 

કોઈપણ પ્રકારની સુવિધા કર્યા વગર થાનગઢ સરકારી હોસ્પિટલમાં નસબંધીનો કેમ્પ રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.  મૃતક મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ મહિલાને ઘરેથી હોસ્પિટલ લાવ્યા ત્યારે સ્વસ્થ હતા અને જાતે ચાલીને હોસ્પિટલે આવ્યા હતા. પરંતુ ડોક્ટરે ઓપરેશન કર્યા બાદ અચાનક તબીયત લથડી હતી અને મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આ સમાચાર શેર કરો