Panchmahal news: સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડવો કિશોરને ભારે પડ્યું; નાકમાં ગંભીર ઇજા થતાં કરવી પડી સર્જરી
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બગીડોર અંબાલી ગામે એક કિશોરને ફટાકડાનો અખતરો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બગીડોર અંબાલી ગામે એક કિશોરને ફટાકડાનો અખતરો ભારે પડ્યો છે. અનમોલ નામનો અને ધોરણ 10 માં અભ્યાસ કરતો કિશોર પોતાના ઘર આંગણે એક સુતળી બોમ્બ સળગાવીને તેની ઉપર સ્ટીલનો ગ્લાસ મૂકીને બોમ્બ ફૂટવાની ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે ગ્લાસનાં ફુરચે ફુરચા ઉડી એક ટુકડો તેના નાકમાં ઘુસી ગયો હતો.
ગ્લાસ ફાટ્યો, સ્ટીલ ટુકડો નાકમાં ઘૂસ્યો
આ દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે સ્ટીલના ગ્લાસના ટુકડે ટુકડા થઈ ગયા. ગ્લાસનો એક ટુકડો ઊડીને કિશોરના મોઢાના ભાગે અને ખાસ કરીને નાકના ભાગે ઘૂસી ગયો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ગંભીર હાલતમાં અનમોલને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતેની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી છે.
અમદાવાદમાં આવી બેદરકારીએ સગીરાનો ભોગ લીધો હતો
આવી જ એક ગંભીર ઘટના ગત 21 ઓક્ટોબરે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ બની હતી. અહીં ત્રણ યુવકો બેદરકારીપૂર્વક લોખંડની પાઇપમાં ફટાકડા ભરીને ફોડી રહ્યા હતા. આ અખતરા દરમિયાન લોખંડનો એક ટુકડો જોરથી ઉડીને નજીકથી પસાર થઈ રહેલી 16 વર્ષની સગીરાના કપાળ પર વાગ્યો હતો.
ગંભીર ઈજાના કારણે સગીરાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું. મૃતક સગીરાના પિતાએ આ મામલે ત્રણ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






