મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઈકોર્ટમાં TAT ભરતી વિવાદની સુનાવણી; 500 જગ્યાઓ ખાલી રાખી ભરતી આગળ વધારવા સરકારની તૈયારી

TAT recruitment dispute heard in High Court; Government to continue recruitment | રાજ્યભરમાં મંજૂર થયેલી 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં, ટાટ (TAT) પરીક્ષામાં

હાઈકોર્ટમાં TAT ભરતી વિવાદની સુનાવણી; 500 જગ્યાઓ ખાલી રાખી ભરતી આગળ વધારવા સરકારની તૈયારી
આ સમાચાર સાંભળો

રાજ્યભરમાં મંજૂર થયેલી 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં, ટાટ (TAT) પરીક્ષામાં 18 ગુણના ખોટા પ્રશ્નો મુદ્દે કોર્ટમાં સેંકડો ઉમેદવારોએ અરજીઓ કરી છે. જેની સુનાવણી દરમિયાન સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી કોર્ટમાં આવેલા અરજદારો માટે 500 બેઠકો ખાલી રાખીને બાકીની જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી આપવી જોઈએ, કેસના ગુણદોષના આધારે કોર્ટ નિર્ણય કરે ત્યારબાદ જ બાકીની ભરતી કરવામાં આવશે. બીજી તરફ, અરજદારોએ આ બાબતનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે માત્ર બેઠકો ખાલી રાખવાથી તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી, કારણ કે તેનાથી તેમને તેમની પસંદગીની જગ્યા પર નોકરી મળી શકશે નહીં. કોર્ટે આ અંગે વધુ સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખી છે.

500 જગ્યાઓ ખાલી રાખવા કોર્ટ સરકારને આદેશ કરે તો તમને શો વાંધો છે?: હાઈકોર્ટ

સરકારે એવી પણ રજૂઆત કરી હતી કે, '11 હજાર વિદ્યાસહાયકની પોસ્ટ પર ટાટ પરીક્ષાના વિવાદને લીધે રોક લાગી છે, પરંતુ અમે ભરતી કેલેન્ડર બહાર પાડી દીધું છે. આ દરમિયાન હાઈકોર્ટે અરજદારોને એવી ટકોર કરી હતી કે, 'કુલ ખાલી જગ્યાઓમાંથી 500 જગ્યાઓ ખાલી રાખવા કોર્ટ સરકારને આદેશ કરે તો તમને શો વાંધો છે? સરકારને 10,500 જગ્યાઓ ભરવા દો અને માત્ર તે સિવાયની જગ્યાઓ ખાલી રાખવા દો. 500 ઉમેદવારો માટે થઈને સમગ્ર ભરતી પ્રક્રિયા અટકાવશો નહીં. ગુણદોષના આધારે કેસનો આખરી નિકાલ આવે ત્યારે તે નિર્ણય સૌને બંધનકર્તા રહેશે. સરકાર પણ અરજદારોની જગ્યાઓ ખાલી રાખવા તૈયાર છે.' જેવા જવાબમાં અરજદારો તરફના પક્ષે કહ્યું હતું કે 500 બેઠકો ખાલી રાખવામાં આવશે તેથી પસંદગીની જગ્યા પર નોકરી મળી શકશે નહીં.

હાલ પૂરતી નિમણૂક ન આપવા માટે દાદ

અરજીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડીને હાલ પૂરતી નિમણૂક ન આપવા માટે દાદ માગવામાં આવી છે. પરીક્ષાના 1 થી 18 પ્રશ્નો ખોટા હોવાનું કહીને તેના માર્કસ આપવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે સરકારે કહ્યું હતું કે, આ સવાલો ખોટા છે કે નહીં તે કોર્ટ દ્વારા નક્કી થાય પછી જ માર્કસ આપી શકાશે. સરકારે એવી પણ રજૂઆત કરી હતી કે, જો આવી રાહત આપવામાં આવશે તો બીજા 5 હજાર ઉમેદવારો પણ કોર્ટમાં દોડી આવશે અને એક પ્રશ્ન માટે પણ તેને ધ્યાને લેવો પડશે.

મેરિટ લિસ્ટ પ્રમાણે જ તેમને નિમણૂક આપવી જોઈએ: અરજદારો

બીજી તરફ અરજદારોએ કહ્યું હતું કે, જો 11 હજાર સ્કૂલો હોય અને 11 હજાર શિક્ષકોની ભરતી કરવાની હોય તો મેરિટ લિસ્ટ પ્રમાણે જ તેમને નિમણૂક આપવી જોઈએ. ઉમેદવારોએ આ બાબતને સ્પષ્ટ કરવા માટે એક સ્પેશિયલ ચાર્ટ બનાવીને પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી બુધવાર પર મુલતવી રાખી છે.

આ સમાચાર શેર કરો