મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત ભાજપનો સદસ્યતા અભિયાન માટે ટાર્ગેટ સેટ, નેતાઓ અને કાર્યકરો અવઢવમાં

ભાજપે દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રથમ સભ્ય બનીને સદસ્યતા અભિય

ગુજરાત ભાજપનો સદસ્યતા અભિયાન માટે ટાર્ગેટ સેટ, નેતાઓ અને કાર્યકરો અવઢવમાં

ભાજપે દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રથમ સભ્ય બનીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે.  સદસ્યતા અભિયાનને લઇને ગુજરાત ભાજપે પણ કમર કસી છે. ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.

ગુજરાત ભાજપે સભ્ય બનાવવા આપ્યો ટાર્ગેટ

ગુજરાત ભાજપના સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ કે.સી. પટેલે પત્ર લખીને ભાજપના કાર્યકરો, નેતાઓને ટાર્ગેટ આપ્યો છે. કે.સી. પટેલે પત્રમાં ટાર્ગેટ સાથે ફોર્મ મોકલી 7 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ પરત કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત ભાજપે 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્ય પૂર્ણ કરવા માટે 200થી 7 લાખ સુધીનો ટાર્ગેટ આપ્યો છે.

સાંસદોને 7 લાખનો ટાર્ગેટ

ગુજરાત ભાજપ દ્વારા ધારાસભ્ય, સાંસદ અને પદાધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના સાંસદોને પોતાના વિસ્તારમાં 7 લાખ સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.  સાંસદોએ વ્યક્તિગત 10,000 અને ધારાસભ્યએ 5 હજાર સભ્ય બનાવવાના રહેશે.

ગુજરાત ભાજપે સદસ્ય બનાવવા કોને કેટલો ટાર્ગેટ આપ્યો

સાંસદ- 7 લાખ
ધારાસભ્ય- 1 લાખ
કોર્પોરેટર- 2 હજાર
જિલ્લા પંચાયતના સભ્ય- 1000
તાલુકા પંચાયતના સભ્ય- 500
પ્રદેશના પદાધિકારીઓ- 1000
મોરચાના પ્રદેશ પ્રમુખ મહામંત્રી અને સેલના સંયોજકો- 1000
પૂર્વ સાંસદ- 2000
પૂર્વ ધારાસભ્ય- 1000
2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવાર- 2500

ગુજરાતમાં ભાજપના નેતાઓનો થઇ રહ્યો છે વિરોધ

ગુજરાતમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને કારણે લોકોમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) સામે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસી ગયા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયું હતું. ભાજપના નેતાઓ વડોદરામાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે નીકળ્યા ત્યારે લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું.હવે ભાજપે સભ્યોને સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ આપતા આ ટાર્ગેટ કેવી રીતે પૂર્ણ થશે તેને લઇને નેતાઓ અવઢવમાં છે.

લોકસભા ચૂંટણીમાં 1.19 કરોડ સભ્યવાળા ભાજપને 1.88 કરોડ મત જ મળ્યા હતા

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 5 લાખના મતે દરેક બેઠક જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, ભાજપ 5 લાખ મતે જીતવાની વાત છોડો પણ તમામ બેઠકો જીતવામાં પણ સફળ નહોતો થયો.કોંગ્રેસે બનાસકાંઠા લોકસભા બેઠક ભાજપ પાસેથી આંચકી લઈને સળંગ ત્રીજી વાર બધી બેઠકો જીતવાની હેટ્રિક કરવા નહોતી દીધી. હવે પાટીલે ફરી એવો જ દાવો કરીને 2 કરોડ સભ્યો નોંધવાનો અતિ મહત્વાકાંક્ષી ટાર્ગેટ આપી દીધો છે. ગુજરાતમાં કુલ 4.30 કરોડ મતદારો છે. એ જોતાં પાટીલે લગભગ 45 ટકા મતદારોને ભાજપના કાર્યકર બનાવવાનો ટાર્ગેટ આપી દીધો છે.

પાટીલે દાવો કર્યો કે, ગુજરાતમાં છેલ્લે સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ ત્યારે ભાજપના નોંધાયેલા સભ્યોની સંખ્યા 1.19 કરોડની હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1.88 કરોડ મત મળ્યા હતા. પાટીલના નિવેદનનો અર્થ એ થયો કે, ભાજપનો દરેક કાર્યકર પોતાના ઉપરાંત અન્યનો એક મત લાવવામાં પણ સફળ થયો નથી.

આ સમાચાર શેર કરો