Tapi જિલ્લાની મોટી ગણાતી વાલોડ પંચાયત બિલ ભરવામાં નાદાર? વીજ કનેક્શન કાપી નંખાયું

તાપી જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાં જેની ગણના થાય છે તેવી વાલોડ ગ્રામ પંચાયત હાલ મુશ્કેલીમાં મુકાઈ છે. ગ્રામ પંચાયત દ્વારા લાંબા સમયથી વીજ બિલની ભરપાઈ ન કરવામાં આવતા વીજ કંપનીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાખો રૂપિયાના બાકી બિલને કારણે પંચાયતના વીજ કનેક્શન કાપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રૂ. 7.92 લાખનું બિલ બાકી
મળતી માહિતી મુજબ, વાલોડ ગ્રામ પંચાયતનું કુલ 7,92,809 રૂપિયા જેટલું તોતિંગ વીજ બિલ બાકી છે. પંચાયત હસ્તકના કુલ 36 વીજ કનેક્શનો આવેલા છે. વારંવારની સૂચના છતાં બિલ ન ભરાતા વીજ વિભાગે લાલ આંખ કરી છે અને પ્રાથમિક તબક્કે 36 માંથી 1 કનેક્શન કાપી નાખ્યું છે.

ગામના ફળિયામાં અંધારપટ
વીજ કંપની દ્વારા કનેક્શન કાપવામાં આવતા જ તેની સીધી અસર ગ્રામજનો પર પડી છે. હાલ પાદર ફળિયા વિસ્તારની સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિકોને રાત્રિના સમયે અંધકારમાં રહેવાનો વારો આવ્યો છે. જો હજુ પણ બાકી રકમ જમા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય કનેક્શનો પણ કાપી નાખવાની ચીમકી આપવામાં આવી છે.
તંત્રની કડક કાર્યવાહી
વીજ વિભાગના જણાવ્યા અનુસાર, પંચાયત પાસે મોટી રકમ લેણી હોવાથી આ પગલું ભરવું પડ્યું છે. હવે જોવાનું એ રહે છે કે પંચાયત વહેલી તકે આ નાણાં ભરીને ગામને અંધારામાંથી બહાર લાવે છે કે પછી ગામના અન્ય વિસ્તારોમાં પણ વીજ ગુલ થશે.

