મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ગાઝાના પીડિતોના નામે પૈસા ઉઘરાવતી સિરિયન ગેન્ગનો પર્દાફાશ, ડિપોર્ટ કરવાની તૈયારી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરી મસ્જિદોમાંથી પૈસા ઉઘ

અમદાવાદમાં ગાઝાના પીડિતોના નામે પૈસા ઉઘરાવતી સિરિયન ગેન્ગનો પર્દાફાશ, ડિપોર્ટ કરવાની તૈયારી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરી મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેન્ગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સિરિયન નાગરિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં તેઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને આ પૈસાનો ઉપયોગ મોજશોખ માટે કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની તપાસ રાજ્ય તેમજ કેન્દ્રની એજન્સીઓએ શરૂ કરી છે અને અલીને ડિટેઇન કરી બ્લેકલિસ્ટ કરવા તથા ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું છે ઘટના?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ગાઝાની એક ટોળકી મોટા પ્રમાણમાં જુદી જુદી મસ્જીદોમાં જઇ પોતાની ઓળખ ગાઝાના ભોગ બનનાર નાગરિક હોવાનું આપી મોટા પ્રમાણમાં રૂપિયા ભેગા કરી રહ્યાં છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતા અલી મેધાત અલઝહેર નામનો વ્યક્તિ મળી આવ્યો હતો જેની પ્રવૃતિ શકમંદ જણાતા તેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અલી મેધાત સીરીયાના દમાસ્કસનો રહેવાસી છે અને પશુપાલનનો ધંધો કરે છે અને અત્યારે એલીસબ્રિજની એક હોટલમાં રોકાયો હોવાનું જણાવ્યું હતું.

ગાઝાના પીડિતોના નામે ઉઘરાવેલા પૈસાનો ઉપયોગ મોજશોખ માટે કરતા હતા

વધુ પૂછપરછ કરતા આ વ્યક્તિ ટુરીસ્ટ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને ભારતના જુદા જુદા રાજ્યો તેમજ શહેરોમાં ફરી છેલ્લે અમદાવાદ આવ્યો હતો અને પોતે ગાઝાનો નાગરિક હોવાની ખોટી હકીકત જણાવી અલગ અલગ મસ્જીદોમાં જઇ રૂપિયા ભેગા કરે છે અને તેનો ઉપયોગ વૈભવી જીવન જીવવા કરે છે.આ વ્યક્તિની પ્રવૃતિ ખુબ જ શંકા ઉપજાવે તેવી હોવાથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તે અરબી ભાષા જ જાણતો હોવાનું નાટક કરતો હતો અને તેના શરીરને જોતા છાતીના ભાગે ઇજાના નિશાન હતા જે ઇજા યુદ્ધમાં થયેલા હોવાનું જણાવ્યું હતું.

1 ઓગસ્ટે અમદાવાદ આવ્યા હતા 4 શખ્સ

વધુ પૂછપરછ કરતા શખ્સે જણાવ્યું કે તેના જેવા બીજા અન્ય લોકો પણ ભારતમાં આવ્યા છે. મને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા અન્ય લોકો અંડર ગ્રાઉન્ડ થઇ ગયા છે.આ વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાજ્યની તથા સેન્ટ્રલની અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ વ્યક્તિની પ્રવૃતિઓને જોતા તેમને તાત્કાલિક ડિટેઇન કરી ડિપોર્ટ કરવાની તથા બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિએ જુદા જુદા માધ્યમો દ્વારા મેળવેલ રૂપિયાના હવાલા પડાવેલ છે જેની તપાસ ચાલુ છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આ ટોળકી લેબેનોનમાં ભેગી થઇ હતી. 4 આરોપીઓ દુબઇ થઇને 1 ઓગસ્ટે અમદાવાદ આવ્યા હતા. અલી મેઘાત નામના શખ્સ પાસેથી બે મોબાઇલ મળી આવ્યા છે જેમાં સીરિયાનો વોટ્સએપ નંબર છે. આ સાથે જ 3600 યુએસ ડોલર અને 25 હજાર રૂપિયા મળ્યા છે. અન્ય 3 આરોપીઓને પકડવા માટે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. 

પ્રાથમિક દ્રષ્ટીએ આ વ્યક્તિએ વિઝાના નિયમોનો ભંગ કર્યો છે અને તેમના વિરૂદ્ધ યોગ્ય પગલા લેવાની કામગીરી ચાલુ છે, તેમના સાથીઓના પાસપોર્ટની હકીકત જાણવા તપાસ ચાલી રહી છે. આ વ્યક્તિઓએ ભારતમાં અલગ અલગ શહેરની મસ્જીદોમાં ફંડ ભેગુ કર્યુઁ છે અને તે ફંડનો શું ઉપયોગ કરવાના હતા તેની પણ તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો