સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ દ્વારા યોજાશે સમૂહ લગ્ન, 15 યુગલો પાડશે પ્રભુતામાં પગલાં
સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું

સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. વિવાહ સંસ્કાર સમારોહમાં સંતો-મહંતોની સાથે સાથે વડતાલધામથી ભાવિ આચાર્ય લાલજી મહારાજ આશિર્વાદ આપવા પધારશે.
આ પણ વાંચોઃસુરતમાં મોબાઈલના ઝઘડામાં હત્યા, સગીર સહિતના 3 આરોપીઓને ટ્રેનમાં આ રીતે ઝડપી લેવાયા
પ્રથમવાર સમૂહ લગ્ન
સુરતમાં પ્રથમવાર યોજાનારા સમૂહ લગ્ન અંગે માહિતી આપતા કહેવાયું કે, 150થી વધુ હરિભક્તો સતત મહેનત કરી રહ્યાં છે. આગામી 25મી નવેમ્બરના રોજ કોસમાડા ખાતે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહલગ્નમાં ભાગ લેનાર દીકરીઓને 136 કરતાં વધુ વસ્તુઓ કરિયાવરમાં દાત્તાઓના સહયોગથી આપવામાં આવી રહી છે. લગ્ન અગાઉ જ આ તમામ કરિયાવર દીકરીઓના સાસરીમાં મોકલી આપવામાં આવી છે.
10 હજાર લોકો આપશે હાજરી
સમૂહ લગ્ન અંગેની વધુ વિગતો આપતા હરિભક્તોએ કહ્યું કે, સોશિયલ મીડિયા થકી અરજી મંગાવીને સર્વે કરવામાં આવ્યો હતો. આ વર્ષે 15 લગ્ન કરાવવાના હોવાથી જરૂરિયાતમંદોને પહેલા તક આપવામાં આવી હતી. સમૂહ લગ્નમાં 10 હજાર લોકો માટે રસોઈની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાર્કિંગથી લઈને તમામ જગ્યાએ કોઈ અગવડ ન પડે તે માટે 450થી વધુ હરિભક્ત સ્વયંસેવકો ખડા પગે સેવા આપી રહ્યાં છે.








