મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mahesana news: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાના હાથ ગરમ તેલમાં નંખાવ્યા, સાસરિયાઓ સામે ગુનો દાખલ

મહેસાણા જિલ્લાના વિજાપુરના ગેરીતા ગામે એક પરિણીત મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધી

Mahesana news: ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાના હાથ ગરમ તેલમાં નંખાવ્યા, સાસરિયાઓ સામે ગુનો દાખલ

મહેસાણા જિલ્લાના વિજાપુરના ગેરીતા ગામે એક પરિણીત મહિલાને તેના નણંદ, નણદોઈ અને અન્ય સંબંધીઓએ માત્ર શંકાના આધારે ગરમ તેલમાં હાથ નાખવા મજબૂર કરવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી છે. 

પરિણીતાના ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી અપશબ્દો કહ્યા

મહેસાણાના વિજાપુરના ગેરીતા ગામે એક પરિણીતાને અંધશ્રદ્ધામાં વહેમમાં ઉકળતા તેલમાં હાથ નખાવવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના નણંદ જમનાબેન મનુભાઈ ઠાકોરે તેમના પર ચારિત્ર્ય પર ખોટો વહેમ રાખી ગાળો આપી હતી. ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો તેમની પર આરોપ મૂક્યો હતો. જ્યારે પરિણીતાએ આ વાતનો ઈન્કાર કર્યો, ત્યારે જમનાબેન ઉશ્કેરાઈ ગયા અને તેમણે તેમના પતિ મનુભાઈ, તેમના ભાઈ દયાલભાઈ રામશીભાઈ ઠાકોર અને હીરાભાઈ સોમાભાઈ ઠાકોરને બોલાવ્યા હતા. આ તમામ આરોપીઓએ પરિણીતાને ચૂલા પર રાખેલા ગરમ તેલમાં હાથ નાખવા જણાવ્યું અને કહ્યું કે જો તે સાચી હોઈશ તો તેલથી દાઝશે નહીં. 

બળજબરી પૂર્વક પરિણીતાના હાથ ઉકળતા તેલમાં નાખ્યા

પરિણીતાએ હાથ નાખવાની ના પાડી, ત્યારે જમનાબેને તેમને માર માર્યો હતો અને બળજબરી પૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા અને તેઓ દાઝી ગયા હતા. એટલું જ નહીં, જમનાબેને તપેલીમાંથી ગરમ તેલ લઈ પરિણીતાના પગ પર પણ રેડ્યું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના બાદ પીડિતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. હાલ વિજાપુર પોલીસ સ્ટેશનમાં જમનાબેન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો