વઢવાણમાં નદીમાં ડૂબેલા યુવકને બચાવવા અન્ય ત્રણ શખ્સો કૂદ્યા, ઊંડા પાણીમાં ગરકાવ થતાં તમામના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલી ઉમય નદીમાં સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ ઘટના વઢવાણ તાલુકાના નગરા ગામ નજીક બની હોવાનું સામે આવ્યું છે. એક યુવક નદીમાં નહાવા દરમિયાન ડૂબવા લાગતાં તેને બચાવવાના પ્રયાસમાં અન્ય ત્રણ યુવકો પણ પાણીના પ્રવાહમાં સપડાયા હતા. પરિણામે ચારેય યુવકોના કરુણ મોત થયા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં ચારેય યુવકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોમાં મોહન ઝાટ, જીવારામ ઝાટ, રમેશ ઝાટ અને કુસારામ ઝાટનો સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી મુજબ, મૃત્યુ પામેલા ચારેય યુવકો મૂળ રાજસ્થાનના રહેવાસી હતા. તેઓ વઢવાણ તાલુકાના નગરા ગામ ખાતે આવેલા સોલર પ્લાન્ટમાં કામ કરતા હતા. આ ઘટનાથી સોલર પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકોમાં તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

