Video: પાણી વહી ગયા બાદ પાળ બાંધવા નિકળ્યું તંત્ર

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસું પૂરું થયા બાદ તંત્ર મોડે મોડે જાગ્યુ છે. અત્યારની સ્થિતિ મુજબ દસાડા-લખતર તરફનું વરસાદી પાણી નળકાંઠા તરફ નકામું જતું રહ્યું છે અને સારો વરસાદ હોવા છતાં તેનો યોગ્ય સંગ્રહ થઈ શક્યો નથી. આ પાણી નળ સરોવરમાં વહી જતાં પાકને નુકસાન પહોંચ્યું છે તેમજ જમીન પણ ખરાબ થઈ છે. બીજી તરફ જિલ્લામાં વરસાદની ઘટને કારણે ચોટીલા, થાનગઢ અને મૂળી પંથકમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, જેના પગલે લોકોને હિજરત કરવાની ફરજ પડી રહી છે. આ વિસ્તારોમાં કેનાલ મારફતે નર્મદાનું પાણી પહોંચતું નથી અને સૌની યોજનાની પાઇપલાઇનમાં પણ પાણી આવી રહ્યું નથી. આ પરિસ્થિતિ વચ્ચે હવે જિલ્લા કલેક્ટરે સિંચાઈ, DRDA અને ખેતીવાડી વિભાગને સંયુક્ત સર્વે કરી ચેકડેમો અને તળાવો બાંધવા આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં જરૂર હોય ત્યાં ચેકડેમો અને તલાવડી બનાવવામાં આવે, જેથી પાણીનો ઉપયોગ ખેતી અને પીવા માટે થઈ શકે. જોકે, પાણી વહી ગયા બાદ પાળ બાંધવા નીકળેલા તંત્રની આ કામગીરીમાં રહેલી બેદરકારીને કલેક્ટરે પણ નિષ્ફળતા ગણાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત