ગુજરાતની નદીઓમાં સ્લો પોઈઝન ફોરેવર કેમિકલથી કેન્સરનું જોખમ, કોઈ કાયદેસરના ધોરણો જ નથી

ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં હવે વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નદીઓ આ મુદ્દે કડક વલણ અપનાવી લાલ આંખ કરતાં ગુજરાત સરકારમાં દોડધામ મચી છે. અને ભૂગર્ભજળમાં ‘PFAS’ (ફોરેવર કેમિકલ્સ) નામના અત્યંત ઘાતક રસાયણોનું ઝેર ભળી રહ્યું છે. Hazardous Materials Advances જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ આ મુદ્દે કડક વલણ અપનાવી લાલ આંખ કરતાં ગુજરાત સરકારમાં દોડધામ મચી છે.
NGTએ લાલ આંખ કરતાં દોડધામ, નદીમાં કેટલું ઝેર ભળ્યું તેનો GPCB પાસે હિસાબ નથી
અતિ-ઔદ્યોગિકરણ ધરાવતા ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોમાંથી ઠલવાતો પ્રવાહી કચરો પાણીમાં ફોરેવર કેમિકલ્સ ભળવાનું સૌથી મોટું કારણ બની રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા ટેક્સટાઇલ હબમાં કાપડને વોટરપ્રૂફ અને ડાઘ-પ્રતિરોધક બનાવવા વપરાતા ફ્લોરિનેટેડ કોટિંગ્સ, તેમજ કેમિકલ ઝોનમાં વપરાતા ઇન્ડસ્ટ્રિયલ ક્લીનર્સ અને મેટલ પ્લેટિંગની પ્રક્રિયામાંથી આ ઝેરી રસાયણો સીધા જ નદી અને જળસ્ત્રોતોમાં ભળી રહ્યા છે. માત્ર ઔદ્યોગિક કચરો જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં વપરાતા ફાસ્ટ ફૂડ રેપર્સ (ફૂડ પેકેજિંગ), નોન-સ્ટીક વાસણો (ટેફલોન કોટિંગ), કોસ્મેટિક ઉત્પાદનો અને રિફાઇનરીઓમાં આગ બુઝાવવા વપરાતા ખાસ ફીણમાં પણ આ ઘાતક સંયોજનોનો ભરપૂર ઉપયોગ થાય છે.
રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કોઈ કાયદેસરના ધોરણો જ નથી
આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર સમસ્યા હોવા છતાં ગુજરાતની સાબરમતી, મહી, નર્મદા કે તાપી જેવી મુખ્ય નદીઓ કે શહેરોના ભૂગર્ભજળમાં ફોરેવર કેમિકલ્સનું પ્રમાણ કેટલું છે, તેનો કોઈ જ સત્તાવાર ડેટાબેઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, ઔદ્યોગિક કચરામાં આ રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કોઈ કાયદેસરના ધોરણો જ નથી પરિણામે પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગોને જાણે કે ખુલ્લો દોર મળી ગયો છે.













