Surendranagar/ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી, વિરમગામના 3 યુવકોનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા-શંખેશ્વર હાઈવે પર શુક્રવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડગામ અને પાનવા ગામ વચ્ચે રોડ કિનારે ઉભેલા ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર (Eeco) ઘૂસી જતાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રકનો ક્લિનર ગભરાઈને નજીકના ખેતર તરફ ગયો હતો, જ્યાં ઝાટકા મશીનના વાયરનો વીજ કરંટ લાગતાં તેનું પણ મોત થયું હતું. આમ, સમગ્ર ઘટનામાં કુલ ત્રણ લોકોના જીવ ગયા હતા.
ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી કાર, બે લોકોનાં મોત
મળતી માહિતી પ્રમાણે, દસાડા-શંખેશ્વર હાઈવે પર વડગામ અને પાનવા ગામ વચ્ચે એક ટ્રક રોડની બાજુમાં ઉભો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસમાત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ટ્રક સાથે અથડાતા તેમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા હતા.
અકસ્માત બાદ ક્લિનર ખેતર તરફ દોડ્યો
અકસ્મત સર્જાયા બાદ ટ્રકનો ક્લિનર ગભરાઈ ગયો હતો અને બચવા માટે નજીકના ખેતર તરફ ગયો હતો. જોકે, ખેતરમાં પાકને નુકસાનથી બચાવવા માટે લગાવવામાં આવેલા ઝાટકા મશીનના વાયરનો તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
વીજ કરંટ લાગતાં ક્લિનરનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ રીતે એક જ અકસ્માતની ઘટનામાં અલગ-અલગ સંજોગોમાં કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી
અકસ્મતની જાણ થતાં જ દસાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
અકસ્મતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થતાં પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
દસાડા પોલીસે અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. કાર કયા સંજોગોમાં ટ્રક સાથે અથડાઈ, ટ્રક રોડની કઈ સ્થિતિમાં ઊભો હતો અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા મૃતકોની ઓળખ સહિતની જરૂરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. અકસ્માત અંગેની તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.

