Surat / ગેરકાયદે બાંધકામમાં રાજકીય દખલ: ફરિયાદ કરનાર પાસે જ ભલામણ કરાવવાના પ્રયાસથી વિવાદ

પાલિકાની માલિકીના રિઝર્વ પ્લોટ પર પાકું બાંધકામ કરી એસી રેસ્ટોરન્ટ શરૂ કરવાના વિવાદમાં હવે રાજકીય ભલામણ અને સમાધાનના પ્રયાસોનો નવો વળાંક આવ્યો છે. ગેરકાયદે બાંધકામ સામે ફરિયાદ કરનારને જ ભાજપની ભગીની સંસ્થાના આગેવાને ફોન કરી ભાજપના કાર્યકરની રોજીરોટીનો પ્રશ્ન હોવાનું જણાવી રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેરને ભલામણ કરવા કહ્યું હોવાનો આક્ષેપ થયો છે. ફરિયાદી પાસે જ અધિકારીઓને ફોન કરાવી કાર્યવાહી અટકાવવાના પ્રયાસથી પાલિકાની જમીન પરના દબાણો અને તેની સામે થતી કામગીરીમાં રાજકીય દખલગીરીની ચર્ચા શરૂ થઈ છે.
સુરતના પાલ વિસ્તારમાં પાલિકાની માલિકીના રિઝર્વ પ્લોટ પર પાકું બાંધકામ કરી એસી રેસ્ટોરન્ટ શરૂ કરી દેવાના મામલે હવે રાજકીય ભલામણનો વિવાદ ઊભો થયો છે. ભાજપનાં પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલે આ ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગને ફોટોગ્રાફ્સ સાથે ફરિયાદ કરી તપાસની માગ કરી છે. જોકે, ફરિયાદના આધારે કાર્યવાહી થવાને બદલે ફરિયાદીને જ ફોન કરી સમાધાન કરાવવા અને પાલિકાના અધિકારીને ભલામણ કરવા કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.ફરિયાદી પાસે ભાજપની ભગીની સંસ્થાના એક આગેવાને ફોન કર્યો હતો. ફોનમાં પાલ ખાતેનો પ્લોટ ભાજપના જ એક કાર્યકરે ભાડે રાખ્યો હોવાનું અને તેના પરિવારની રોજીરોટી આ જગ્યા પર ચાલતી હોવાનું જણાવી ફરિયાદી સામે વાંધો ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, ફરિયાદીને રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર મેઘાવીબેનને ફોન કરી ભલામણ કરવા પણ કહેવામાં આવ્યું હતું. અધિકારીઓ સીલ મારવાની કે બાંધકામ તોડી પાડવાની વાત કરી રહ્યા છે, જેથી ફરિયાદી ફોન કરે તો કામ થઈ જાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ રીતે ગેરકાયદે બાંધકામ સામે ફરિયાદ કરનારને જ અધિકારીઓ પાસે ભલામણ કરવાનું કહેવામાં આવતાં રાજકીય દખલગીરીનો મુદ્દો સામે આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ટીપી સ્કીમ નંબર 16ના ફાઇનલ પ્લોટ નંબર 103ને પાલિકાએ સ્થાયી સમિતિના ઠરાવથી ખુલ્લા પ્લોટ તરીકે ફાળવ્યો હતો.
આ પ્લોટ ખુલ્લો રાખવાનો હોવા છતાં તેના પર પાકું બાંધકામ કરી એસી રેસ્ટોરન્ટ સહિતની વ્યાપારી પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે. પાલિકાના રિઝર્વ પ્લોટ પર નિયમો વિરુદ્ધ પાકું બાંધકામ કેવી રીતે થયું અને કોની મંજૂરીથી વ્યાપારી પ્રવૃત્તિ શરૂ થઈ તે તપાસનો વિષય બન્યો છે.ફરિયાદીનો આક્ષેપ છે કે પાલિકાની જગ્યા ભાડે લીધા બાદ પેટાભાડે આપી દેવામાં આવે છે અને ત્યારબાદ મૂળ હેતુ તથા નિયમોને નેવે મૂકીને વ્યાપારી પ્રવૃત્તિ કરવામાં આવે છે. જ્યારે કોઈ ફરિયાદ કરે ત્યારે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદ દબાવવા અથવા સમાધાન કરાવવાના પ્રયાસો થાય છે. આ સમગ્ર મામલે પશ્ચિમ ઝોનના અધિકારીઓની જાણકારી અને ભૂમિકા પણ તપાસવી જરૂરી છે. ફરિયાદીએ માત્ર આ એક પ્લોટ જ નહીં, પરંતુ પશ્ચિમ ઝોનમાં પાલિકાના અન્ય રિઝર્વ પ્લોટ પર થયેલાં દબાણોની પણ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.








