Surat/ ફૂલ સ્પીડ સ્પોર્ટ્સ બાઈક બની કાળ: BRTS રૂટમાં અકસ્માત સર્જાતા બે મિત્રોના ઘટનાસ્થળે જ મોત

ડાયમંડ સિટી સુરતમાં રફ્તારનો કહેર ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. શહેરના પુણાગામ વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઈકની ઓવરસ્પીડના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર બંને યુવકોએ જીવ ગુમાવ્યા છે.
ઝાડ સાથે અથડાતા બાઈકના ફુરચા ઉડ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, પુણાગામ શિવનગર નજીક રંગઅવધૂત સોસાયટીથી રેશમા ચાર રસ્તા તરફ જતા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. એક KTM સ્પોર્ટ્સ બાઈક પર બે મિત્રો ફૂલ સ્પીડમાં જઈ રહ્યા હતા. BRTS રૂટમાં બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સીધી ઝાડ સાથે અથડાઈ હોવાની શંકા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર ચાલક અને તેના મિત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ઓવરસ્પીડ અને BRTS રૂટમાં પ્રવેશ પડ્યો ભારે
ઘટનાની જાણ થતા જ પુણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બાઈકની ગતિ ખૂબ જ વધારે હતી અને પ્રતિબંધિત BRTS રૂટમાં બાઈક ચલાવવામાં આવી રહી હતી. સ્પીડના શોખમાં બે પરિવારોએ પોતાના વ્હાલસોયા દીકરાઓ ગુમાવતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ કાર્યવાહી
પુણા પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ઓવરસ્પીડમાં સ્પોર્ટ્સ બાઈક ચલાવતા યુવાનો સામે લાલબત્તી ધરી છે.

